Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

કાલે રાજકોટમાં મુખ્યમંત્રીનો રોડ-શો: કોંગ્રેસ નેતા ડો.વસાવડાનું પીએમને ટ્વીટ : તમારા નેતાઓ તમારી વાત કેમ માનતા નથી !!?

ભારતના લોકોને ‘મન કી વાત’ સાંભળવા માટે ફોર્સ કરાય છે, તમારી પાર્ટીના લોકો કેમ નહીં? મુખ્યમંત્રી તમારી વાત સાંભળી રહ્યા છે?

રાજકોટ :કાલે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ  પટેલ રાજકોટની મુલાકાતે છે. જ્યાં તેમના દ્વારા એક રોડ-શો કરવામાં આવનાર છે. કોરોનાનાં સતત વધતા કેસો વચ્ચે યોજાનાર આ રોડ-શોને કારણે જ સંક્રમણ વધવાની ભીતિને લઈને કોંગ્રેસ દ્વારા સતત વિરોધ થઈ રહ્યો છે. ગઈકાલે કોંગ્રેસનાં નેતાઓ દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશ્નરને રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે આજે કોંગ્રેસનાં વધુ એક દિગ્ગજ નેતા ડો. હેમાંગ વસાવડાએ CMનાં રોડ-શો મામલે પીએમ મોદીને ટ્વીટ કર્યું છે. જેમાં તમારા નેતાઓ તમારી વાત માનતા ન હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસ નેતા ડૉ. હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, તેમણે વડાપ્રધાન મોદીને ટ્વિટ કર્યું છે. આવતીકાલે રાજકોટમાં મુખ્યમંત્રી દ્વારા રોડ-શો કરવામાં આવનાર છે. પરંતુ હાલમાં ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે ત્યારે રોડશો કરવાની શું જરૂર છે ? તો સાથે સાથે હાલ કોરોનાનાં નવા વેરીએન્ટ ઓમીક્રોનની પણ દહેશત હોવાથી મુખ્યમંત્રીએ રોડ-શો કરવો જોઈએ નહીં. સાથે આપના મુખ્યમંત્રી કોવિડના નિયમોનો ભંગ કરતા હોવાનું PM મોદીને પણ જણાવ્યું છે. એટલું જ નહીં મુખ્યમંત્રી જ પ્રધાનમંત્રીનાં સૂચનો સ્વીકારતા ન હોવાનો સણસણતો આરોપ લગાવ્યો છે. તો નિયમો માત્ર જનતા માટે હોવાનો કટાક્ષ પણ તેમણે કર્યો હતો.

 

ભારતના લોકોને ‘મન કી વાત’ સાંભળવા માટે ફોર્સ કરાય છે, તમારી પાર્ટીના લોકો કેમ નહીં? મુખ્યમંત્રી તમારી વાત સાંભળી રહ્યા છે? લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની ફરજ પડી છે જ્યારે તમારા લોકો અવગણે છે. ભુપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટમાં તમામ પ્રોટોકોલ તોડશે (તમને રાજકોટ યાદ છે?)

 અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે એ મુજબ એરપોર્ટથી જૂના એનસીસી બિલ્ડિંગ, મેયર બંગલા, કિસાનપરા ચોક, રેસકોર્સ રિંગ રોડ, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, હરિભાઈ હોલ, ડી.એચ.કોલેજ સુધીના રૂટ પર મુખ્યમંત્રીનો રોડ શો યોજાવાનો છે. આ રોડ શોમાં વોર્ડદીઠ ભાજપના 300 એટલે કે 2400 કાર્યકરો, એરપોર્ટ પર 1800 કાર્યકરો, ઉપરાંત સેંકડો પોલીસ, વહીવટી તંત્રના કર્મચારીઓ ઊમટી પડશે. ત્યારે આવતીકાલે પોલીસ કમિશ્નરનું વાહન-વ્યવહાર બંધનું જાહેરનામું તો ચુસ્ત રીતે પળાશે, અને માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ સહિતના જાહેરનામાનો સરેઆમ ભંગ થવો લગભગ નિશ્ચિત છે

(8:23 pm IST)