Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

થર્ટી ફર્સ્ટના બહાને દારૂ પાર્ટી કરનારાની ખેર નથી :કડી સહિત ગ્રામ્યના ફાર્મ હાઉસો પર પોલીસની બાજ નજર

પોલીસે ડ્રન્ક એન્ડ ડ્રાઇવ રોકવા ખાસ બંદોબસ્ત ગોઠવ્યો

 

અમદાવાદ : 1 મી ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે કડી, બાવલુ અને નંદાસણ પોલીસે દારૂ પીને છાટકા બનનારાને રોકવા અને સલામતીના ભાગ રૂપે ખાસ કાળજી રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી વાહન ચેકીંગ સહિત કડી શહેર સહિત આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસો ઉપર ખાસ ચેકીંગની કામગીરી હાથ ધરી હતી.

કડીના બાવલુ પોલીસ મથકની હદમાં આવતા ગ્રામ્ય વિસ્તારો અમદાવાદ, ગાંધીનગર અને કડીની હદ આવતી હોવાથી તે વિસ્તારમાં અંદાજીત ૧૦થી વધારે વેૈભવી ફાર્મ હાઉસો આવેલા છે અને ફાર્મ હાઉસના માલિકો સાથે બાવલુ પોલીસે સુપ્રિમના આદેશ મુજબ ૧૨ વાગે પાર્ટી બંધ કરવા, આલ્કોહોલ ન પીરસવા સૂચનાઓ અપાઇ છે. છતાં પોલીસે આ ફાર્મ હાઉસો ઉપર ચાંપતી નજર રખાઇ રહી છે. જ્યારે નંદાસણ પોલીસ સ્ટેશનની હદમાં હાઇવે વિસ્તારના ફાર્મ હાઉસો આવતા હોવાથી ત્યાં પણ ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી બાજ નજર રાખવામાં આવી રહી છે.

આ બાબતે કડી પીઆઇ ડી.બી.ગોસ્વામી, બાવલુ પીએસઆઇ એ.એન.દેસાઇ તથા નંદાસણ પીએસઆઇ કે.બી.ખાંટ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આવતા ફાર્મ હાઉસોના માલિકાને સુચના આપવામાં આવી છે અને કોઇ પણ ફાર્મ હાઉસના માલિકે ૩૧મી ડિસેમ્બરની પાર્ટીનું આયોજન કર્યુ નથી, છતાં પણ પોલીસ દ્વારા ડ્રન્ક્ એન્ડ ડ્રાઇવ રોકવા સલામતીના ભાગ રૂપે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

થર્ટી ફર્સ્ટની ઉજવણીએ વિદેશી શરાબની મહેફિલો ન મંડાય અને રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ કેન્દ્ર શાસિત જેવાં સરહદી કેન્દ્રો ઉપરથી વિદેશી શરાબનો જથ્થો ન ઠલવાય તેની તકેદારી રખાઈ રહી છે. ઉજવણી કરવા આબુ જેવાં હિલ સ્ટેશનનો ઉપર પહોંચનાર મહેસાણા, પાટણ, બનાસકાંઠા જિલ્લાના યુવાનો નશાખોરી હાલતમાં પરત ફરશે તો અવશ્ય દંડાશે કારણ કે બોર્ડર ઉપર પણ પુરતી વોચ ગોઠવવામાં આવશે. જિલ્લાના ખૂફિયા એજન્સીને પણ સ્થાનિક કક્ષાએ થર્ટી ફર્સ્ટે ક્યાં ક્યાં ડાન્સ પાર્ટીઓ સહિતની ઉજવણી થનાર છે તેની વિગતો મેળવવા તાકીદ કરાઈ છે. નવા વર્ષે ભૂતકાળમાં પણ રંગારંગના કાર્યક્રમો યોજાયેલા અને શરાબની મહેફિલો મંડાઈ હતી. જો કે, આ ઉજવણી દરમિયાન મહેસાણા જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ ઊંચકાયો ન હતો. પરંતુ, દારૂબંધીના કાયદાનું છડેચોક ઉલ્લંઘન થયું હતું.

કડીના ગામ્ય વિસ્તારમાં ૧૫થી વધારે ફાર્મ હાઉસ આવેલા છે અને તે ફાર્મ હાઉસોમાં અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના લોકો આવે છે. જેના પગલે ત્રણેય પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ અધિકારી દ્વારા તમામના માલિકોને સુપ્રિમના આદેશનું પાલન કરવાની સુચના અપાઈ છે અને તમામ ફાર્મ હાઉસો ઉપર અલગ-અલગ ટીમો બનાવીને ચાંપતી નજર રાખવામાં આવી છે.

મહેસાણા : બે વર્ષ દરમ્યાન કોરોના કાળ સમયે આવી ઉજવણીઓ ઉપર બ્રેક વાગી હોવાના કારણે આ વરસે રંગીન મિજાજના યુવાનો સક્રિય બન્યા હોવાનું માનતું તંત્ર પુરી વોચ રાખી રહ્યું છે અને ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાં જ ઠેર ઠેર વિદેશી શરાબનો જથ્થો કબજે લેવામાં આવી રહ્યો છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દીવ કે દમણ ગયેલા રસીયાઓ નશીલી હાલતમાં પરત ફરતાં પકડાશે તો તેમની ખેર નથી.

(9:40 am IST)