Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

રાજ્યમાં આગામી સપ્તાહમાં ઠંડીનું જોર વધશે : લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો થશે ઘટાડો

અમદાવાદમાં આગામી 3 દિવસ દરમિયાન 11 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાનનો પારો રહી શકે

અમદાવાદ :રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર હટી છે. બીજી તરફ ઉત્તર દિશા તરફથી ફૂંકાઇ રહેલા બર્ફિલા ઠંડા પવનની અસર ગુજરાત પર થઇ રહી છે. રાજ્યના મોટા ભાગના શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ નોંધાયા છે. જેના કારણે લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો.

બુધવારે 11.5 ડિગ્રી સાથે નલિયા રાજ્યમાં ઠંડુંગાર રહ્યું હતું જ્યારે અમદાવાદમાં 13.5 ડિગ્રીએ તાપમાન પહોંચી જતા વહેલી પરોઢે કાતિલ ઠંડી વર્તાઇ હતી. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, હાલ ઉત્તર પર્વતિય વિસ્તારમાં હિમ વર્ષા થઇ રહી છે. જેની અસરને કારણે આગામી દિવસ દરમિયાન રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ યથાવત્ રહેવાની વકી છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષા ચાલુ છે જેની અસરને કારણે રાજ્યના વિવિધ શહેરોમાં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. રાત્રે રાજ્યના વિવિધ શહેરમાં તાપમાનનો પારો 12થી 16 ડિગ્રીની આસપાસ રહેતા તેની સીધી અસર લોકોના જનજીવન પર પડી રહી છે. રાજ્યના આંતરીયાળ વિસ્તારમાં અસહ્ય ઠંડી પડતી હોવાના કારણે તેનાથી રક્ષણ મેળવવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે અને આવા દ્રશ્યો ઠેરઠેર જોવા મળી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી અઠવાડિયા દરમિયાન ઠંડીનું પ્રમાણ હજુ વધી શકે છે અને સરેરાશ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. જેથી ગુજરાતમાં હવે અઠવાડિયા દરમિયાન ઠંડીનું જોર હજુ પણ વધશે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 3 દિવસ દરમિયાન 11 ડિગ્રીની આસપાસ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહી શકે છે.

બોક્ષ: શહેરના લઘુતમ તાપમાન

અમદાવાદ 13.5
વડોદરા 13.2
ભાવનગર 16.7
ભૂજ 12.2
ડીસા 12.1
દ્વારકા 15.8
કંડલા 14
નલિયા 11.5
પાટણ 12.1
પોરબંદર 15.5
રાજકોટ 13.8
ગીર 16.6
સુરત 16
વેરાવલ 16.6

(11:32 pm IST)