Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

અમદાવાદઃ રાજયભરમાં કડકડતી ઠંડી, મંદિરમાં ભગવાન માટે હિટર મૂકાયા

અમદાવાદ, તા.૩૧:  અમદાવાદ સહિત રાજયભરમાં ઠંડીનું કાતિલ મોજુ ફરી વળ્યું છે. લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં, તાપણા, યોગ, કસરતનો સહારો લઈ રહ્યાં છે. જયારે શહેરના મણીનગરમાં આવેલા કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં પણ ભગવાનને ઠંડીથી રક્ષણ આપવા હિટરની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ભગવાનને ગરમ કપડાંનો પહેરવેશ ધારણ કરાવી સેવા-પૂજા કરવામાં આવી રહી છે.

જમ્મુ કાશમીરમાં હિમવર્ષા થતાં અમદાવાદ સહિત રાજયભર ઠંડુગાર બન્યું છે. ઠંડીનો પારો સતત નીચે ગગડી રહ્યો છે. શહેરના મણીનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણને પણ ટોપી, મફલર, સાલ અને ગરમ કપડાં પહેરાવવામાં આવ્યા છે. સાથે જ ઠંડીથી ભગવાનને રક્ષણ મળે તે હેતુથી હિટર પણ મૂકવામાં આવ્યું છે. કુમકુમ સ્વામિનારાણ મંદિરના સંત પ્રેમવત્સલ દાસજીએ ન્યૂઝ૧૮ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સ્વામિનારાયણ ભગવાને પોતાના વંચનામૃતમાં કહ્યું છે કે, શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુને અનુસાર ભગવાનની સેવા કરવી જોઈએ. શિયાળો હોય ત્યારે ભગવાનને થાળ અને વસ્ત્ર ધરાવવામાં આવે છે. હિન્દુધર્મમાં અષ્ટ પ્રકારની પ્રતિમા છે, જે સાક્ષાત પોતાની પૂજા-સેવા અંગીકાર કરે છે. શાસ્ત્રોમાં પણ આવું લખ્યું છે. ભગવાન સ્વામિનારાયણે પણ કહ્યું છે કે અમારી પ્રતિમાની જે કોઈ પૂજા કરે છે તે પૂજા અમે અંગીકાર કરીએ છીએ.

કુમકુમ મંદિરમાં શિયાળામાં ગરમ કપડાં તેમજ ભગવાનને થાળ ધરાવવામાં આવે છે. મહત્વનું છે કે સામાન્ય રીતે તમામ મંદિરોમાં અવારનવાર તહેવારો દરમિયાન વિવિધ પ્રકારના શણગાર કરવામાં આવતા હોય છે. તેમજ વિવિધ પ્રકારના હિંડોળાના દર્શન પણ દર્શનાર્થીઓ કરતા હોય છે, ત્યારે હાલ શિયાળામાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે આ કાતિલ ઠંડીમાં ભગવાન સ્વામિનારાયણને ગરમ કપડાંનો શણગાર કરવામાં આવતા હરીભકતો અને દર્શનાર્થીઓમાં આકાર્ષણની સાથે ભગવાન પ્રત્યે સેવાનો ભાવ જોવા મળી રહ્યો છે.

(9:57 am IST)