Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

જીકે હોસ્પિટલમાં પાંચ વર્ષોમાં ૧૦૦૦થી વધુ બાળકના મૃત્યુ

વિધાનસભામાં માહિતી સામે આવતાં ખળભળાટ : આગામી દિવસોમાં ખૂબ જ સંવેદનશીલ એવા આ મુદ્દાને કોંગ્રેસ દ્વારા ચગાવાય તેવી શકયતા : મુદ્દો બનાવવા તૈયારી

અમદાવાદ,તા. ૨૧ : ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત જી.કે જનરલ હોસ્પિટલમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૦૦૦ કરતા પણ વધારે બાળકોની મોત થયા હોવાની વાત સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન સંતોકબેન અરઠીયાનાં લિખિત પ્રશ્નના જવાબમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષોમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ૧૦૧૮ બાળકોની મૃત્યુ થઇ ચૂકયા છે. સરકારના આ જવાબ બાદ ભારે ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને વિપક્ષ આ સમગ્ર મામલે આગામી દિવસોમાં મુદ્દો ચગાવે તેવી પણ શકયતા છે. આરોગ્યનો હવાલો સંભાળતા રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા દર વર્ષે વિવિધ આંકડા જાહેર કરવામાં આવે છે. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન પૂછાયેલા લિખિત પ્રશ્નના જવાબમાં નીતિન પટેલે માહિતી આપી હતી કે, કચ્છ જિલ્લાના ભુજમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ચાલતી જી.કે.જનરલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન અલગ અલગ બિમારીઓને કારણે એક હજારથી વધુ બાળકોના મૃત્યુ નીપજયા હોવાનું સામે આવ્યું છે. જેમાં વર્ષ ૨૦૧૪-૧૫ દરમિયાન ૧૮૭, ૨૦૧૫-૧૬ દરમિયાન ૧૮૭, ૨૦૧૬-૧૭ દરમિયાન ૨૦૮, ૨૦૧૭-૧૮ દરમિયાન ૨૭૬ અને ૨૦૧૮-૧૯ દરમિયાન ૧૫૯ બાળકોના મોત નોંધાયા છે. સાથે સાથે નાયબ મુખ્યમંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આ બાળકોના મોતનું કારણ જાણવા માટે ગયા વર્ષે  મે મહિનામાં એક સમિતિનું ગઠન પણ કરવામાં આવ્યું હતું. જેમાં આ સમિતિ દ્વારા  બાળકોની મોતનું કારણ સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું. પેનલે રિપોર્ટમાં નિષ્કર્ષનો ઉલ્લેખ નીતિન પટેલે જણાવ્યું કે, હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા સચોટ ઉપચાર સેટ પ્રોટોકોલ અને માન નિર્દેશ અનુસાર થતો હોવાનો દાવો કરાયો હતો.

 

 

 

 

 

 

 

(8:13 pm IST)