Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ધારાસભ્યના પુત્ર પર હુમલાના કેસમાં ત્રણની કરાયેલ ધરપકડ

સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર ઉમેશની ધરપકડઃ રેતીની ધંધાકીય હરિફાઇના ભાગરૂપે ધારાસભ્યના પુત્ર પર તલવારથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી

અમદાવાદ, તા.૧૭: રેતીની ધંધાકીય હરિફાઇમાં ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર ઉમેશ ચૌહાણ અને તેના સાગરિતો દ્વારા ગઇકાલે કાલોલના ધારાસભ્ય સુમનબહેન ચૌહાણના પુત્ર સુનીલ પર તલવાર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવાના ચકચારભર્યા પ્રકરણમાં વેજલપુર પોલીસે આજે સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર ઉમેશ ચૌહાણ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ભાજપના સાંસદના પુત્ર સહિત ત્રણની ધરપકડને પગલે ગુજરાતના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઇ છે. પોલીસ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આગળની તજવીજ હાથ ધરશે. પંચમહાલના સાંસદના પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર અને કાલોલના ધારાસભ્યના સુમનબેન ચૌહાણના પુત્ર વચ્ચે રેતીની ધંધાકીય હરીફાઇમાં ગઇકાલે ફરી એકવાર હિસંક ઝઘડો થયો હતો અને જાણે લોહિયાળ જંગમાં ફેરવાયો હતો. પંચમહાલ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર ઉમેશ ચૌહાણ દ્વારા તેના ભત્રીજા અને કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણના પુત્ર સુનિલ ચૌહાણ પર રેતીના વેપારની હરીફાઈની બાબતે વારંવાર ઘર્ષણ થતા હતા. જોકે કોઈકને કોઈક કારણોસર પરિવારમાં ઝઘડાઓ ચાલ્યા કરતા હતા. હાલ કાલોલના ધારાસભ્ય સુમન બેનનો પુત્ર સુનિલ ચૌહાણ જે રેતીની લીઝ ચલાવે છે અને સામે સાંસદનો પુત્ર ઉમેશ ચૌહાણ પણ રેતીના વ્યવસાયમાં જોડાયેલો હોવાથી ધંધાકીય અદાવત લાંબા સમયથી ચાલ્યા કરતી હતી. ત્યારે ગઇકાલે ધંધાકીય ખેંચતાણમાં ફરીવાર હિસક સ્વરૂપમાં ફેરવાઇ ગયું હતું. સુનિલ ચાંહાણ પોતાની ગાડી લઇને કાલોલ જતો હતો. તે દરમિયાન ઉમેશ ચૌહાણ સહિત ચાર જણા ગાડીમાં આવીને ઓવરટેક કરીને સુનિલની ગાડી રોકી હતી અને તેની પર તલવાર સહિતના હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં  ધારાસભ્યના પુત્રને ગંભીર ઇજાઓ પહોચાડી હતી. કાલોલ ધારાસભ્યના પુત્રએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોતાના કાકા સહિત ચાર વિરુદ્ધ ફરીયાદ નોધાવી હતી.  જેથી પોલીસે હત્યાની કોશિશ અને લૂંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે આજે ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર ઉમેશ ચૌહાણ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

(9:28 pm IST)