Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

મરાઠા અનામત યોગ્ય હશે તો પાટીદાર માટે વિચારાશે

મંત્રી નીતિન પટેલે આશા જગાવતું નિવેદન કર્યું: અનામતના મામલે કોંગ્રેસ પાર્ટી ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરી રહી હોવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આક્ષેપ

અમદાવાદ,તા. ૧૭ : મહારાષ્ટ્રમાં સરકારે મરાઠા જાતિને આપેલી અનામતને લઈને ગુજરાતમાં પાટીદારો ફરી સક્રિય થયા છે અને સરકારને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં મરાઠાઓને આપવામાં આવેલી અનામત યોગ્ય ઠરશે તો તે દિશામાં ગુજરાત સરકાર પણ આગળ વધશે અને પાટીદારોને અનામત આપવા બાબતે વિચારણા કરશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આશા જગાવતાં આ નિવેદનને લઇ પાટીદારોમાં પણ ચર્ચા જાગી છે જો કે, આ માત્ર ઠાલા વચન જ છે કે કે પછી સરકારની સાચી મનષા તેને લઇને પણ પાટીદાર સમાજમાં સવાલો ઉઠી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અગાઉ ઈબીસી અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો જેની સામે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. જ્યારે મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજને જે રીતે અનામત આપવાનો નિર્ણય કર્યો છે તેમાં કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ તેમાં સર્વે કરવામાં આવ્યો છે તે જ પ્રમાણે ગુજરાતમાં પણ અનામત આયોગ કાર્યરત છે તો તે મુજબ સર્વે કરવામાં આવે અને સરકારનો અભિપ્રાય લેવામાં આવે તે પછી આગળની કાર્યવાહી થઈ શકે છે.

 નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા કે, કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી સમયે અનામતની ખાતરી પ્રજાને આપી હતી અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. ગુજરાત સરકારે તો બિન અનામત આયોગ સહિત યુવા સ્વાવલંબન યોજના અમલી બનાવી છે. કોંગ્રેસ સમગ્ર મામલો ગેરમાર્ગે ચઢાવી રહી છે અને પ્રજા તે જાણે છે.

(9:45 pm IST)