Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

શાહ પકડાશે તો પણ રૂપિયા પાછા મળવાની આશા ઓછી

મહાઠગે દસ હજાર ખર્ચી બોગસ કંપની બનાવીઃ વિનય શાહે કંપનીને પ્રાઇવેટ લિમિટેડ બનાવવાના બદલે તેને લિમિટેડ લાયાબિલીટી પાર્ટનરશીપ બનાવી : રિપોર્ટ

અમદાવાદ, તા.૧૭ : એકના ડબલ કરવાની લાલચ આપી રૂ.૨૬૦ કરોડનું ફુલેકું ફેરવી નિર્દોષ નાગરિકોને રાતા પાણીએ નવડાવી નાસી છૂટેલા વિનય શાહે માત્ર ૧૦ હજાર રૂપિયાના ખર્ચે તેની બોગસ કંપની ઉભી કરીને આ સમગ્ર કૌભાંડ આચર્યુ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. બીજી ચોંકાવનારી વાત એ છે કે, વિનય શાહે કંપનીને પ્રાઇવેટ લિમિટેડ બનાવવાના બદલે તેને લિમિટેડ લાયાબિલીટી પાર્ટનરશીપ (એલએલપી) બનાવી હતી. આ કંપની શરૂ કરવા માટે માત્ર ૧૦ હજાર રુપિયાનો ખર્ચ થાય છે, જ્યારે તેની સાથે કંપની જો ફડચામાં જાય તો કંપનીની મિલકત ટાંચમાં લઇ શકાતી નથી. આમ, જો વિનય શાહ પકડાય તો પણ લોકોના પૈસા પાછા મળે તેવી શકયતા નહીવત્ હોવાની ચર્ચાએ પણ હવે જોર પકડયું છે. રૂ.૨૬૦ કરોડનું ફુલેકું ફેરવવા માટે વિનય શાહે તેના શેતાની ભેજાનો ઉપયોગ કર્યો હતો અને તેણે પોતાની કંપનીને પ્રાઇવેટ લિમિટેડ બનાવવાના બદલે તેને લિમિટેડ લાયાબિલીટી પાર્ટનરશીપ (એલએલપી) બનાવી હતી. આ કંપની શરૂ કરવા માટે માત્ર ૧૦ હજાર રુપિયાનો ખર્ચ થાય છે, જ્યારે તેની સાથે કંપની જો ફડચામાં જાય તો કંપનીની મિલકત ટાંચમાં લઇ શકાતી નથી. વિનય શાહ હાલ ફરાર છે અને તેની કંપનીમાં ફસાયેલા નાણા લેવા માટે લોકો લાઇન લગાવી રહ્યા છે તેની ઓફિસમાં ધક્કા ખાઇ રહ્યા છે. પરંતુ વિનય શાહ પકડાય તો પણ તેની અંગત મિલકત વેચીને પણ લોકોના નાણાં ચૂકવાશે નહી. વિનય શાહે માત્ર રૂ.૧૦ હજાર ખર્ચીને રૂ.૨૬૦ કરોડથી વધુનુ ફુલેકુ ફેરવી દીધુ છે. આરોપી વિનય શાહને અંદાજ હતો કે તેની કંપની બંધ થઇ જશે તો તેની મિલકત ટાંચમાં લેવાશે જેથી તેણે પહેલાથી જ પોતાની કંપનીમાં જવાબદારી ઓછી રાખવાનો કારસો ઘડી કાઢ્યો હતો. વિનય શાહની આર્ચડકેર ડીજીએડ એલએલપી કંપનીમાં ગુજરાતભરમાંથી લોકોએ મોટા રીટર્નની લાલચમાં આવીને રોકાણ કર્યુ હતુ. એક બીજાની ચેઇન ગોઠવીને વિનય શાહે કરોડો રૂપિયા ઉઘરાવી હાલ તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. વિનય શાહે પોતાની કંપની રજીસ્ટર છે અને તમારા રૂપિયાનુ તમને ચોક્કસ વળતર મળશે તેવી લાલચ આપીને લોકોને પોતાની કંપનીમાં રોકાણ કરાવ્યુ હતુ. વિનય શાહને અણસાર આવી ગયો હતો કે, ગમે તે સમયે તે લોકોના રૂપિયા ચૂકવી સકશે નહીં અને તેના કારણે તેની પોતાની જવાબદારી આવશે અને કંપનીના પાટીયા પાડી દેવા પડશે તે માટે તેણે પહેલાથી જ પોતાની કંપનીમાં લિમિટેડ લાયાબિલીટી રાખી હતી. જેથી ગમે તે સમયે કંપની ફડચામાં જાય તો તેની મિલકતને કે પોતાને વઘારે નુકશાન થાય નહી. જેથી વિનય શાહ માત્ર ૧૦ હજાર રૂપિયાના ખર્ચમાં બની શકે તેવી એલએલપી કંપની જ બનાવી હતી. વિનય શાહ હાલ વોન્ટેડ છે અને તેના લેણદારો ધક્કા ખાઇ રહ્યા છે પરંતુ તેમના લેણદારોને રુપિયા મળવાની સ્થિતિ નહિવત છે. આજે પણ આ કૌભાંડમાં ભોગ બનેલા ઘણા નાગરિકોને ફરિયાદ નોંધાવવા માટે પોલીસના ધક્કા ખાવા પડયા હતા. પોલીસ તરફથી તેઓને કોઇ સંતોષજનક પ્રતિસાદ નહી મળતાં નાગરિકોએ આક્રોશ ઠાલવ્યો હતો.

 

(9:51 pm IST)