Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

સુરતમાં દારૂની રેલમછેલ: 10.7 લાખના જથ્થા વાળી ટ્રક ઝડપાઇ: ચાલક સહીત તરુણની ધરપકડ

સુરત: રેંજ વિસ્તારમાં વિદેશી દારૂની રેલમછેલ વચ્ચે રેંજ આઈજીની આરઆર સેલની ટીમ સક્રીય થઈ શુક્રવારે વહેલી સવારે ને.હા.નં.૪૮ પર પલસાણા તાલુકાનાં બલેશ્વર હાઈવે પરથી રૂા.૧૦.૭૭ લાખનાં વિદેશી દારૂની ૧૧૯૭૬ બોટલ ભરેલી ટ્રક ઝડપી પાડી ચાલકની ધરપકડ કરી છે. ચાલકની સાથે તરૂણ પણ ટ્રકમાં બેઠેલો હતો.

સુરત જિલ્લાનાં સાયણ અને નવસારી જિલ્લાનાં કસ્બા પાર ખાતે સ્ટેટ વિજીલન્સની ટીમે મોટા જથ્થામાં વિદેશી દારૂ ઝડપી પાડતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. જેમાં સુરત રેંજ વિસ્તારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળતા આર.આર.સેલની ટીમ પણ સક્રીય થઈ ગઈ છે. શુક્રવારે વહેલી સવારે આરઆર સેલનાં પીએસઆઈ જી.આર.જાડેજાને મળેલી બાતમીનાં આધારે ને.હા.નં.૪૮ પર પલસાણા ઓવરબ્રિજ નજીક ટીમ સાથે વોચમાં હતા. ત્યારે નવસારી તરફથી આવેલી ટ્રક (નં.આર.જે.૯.જીબી.૪૩૯૦)ને બલેશ્વર ગામની સીમમાં અટકાવી હતી. 

ટ્રક ચાલક અરશદખાન રમઝાનખાન (રહે. હતનવાવ, તા.પુનાન, જિ.નુહુ, હરિયાણા) તથા તરૂણને પકડી લઈ ટ્રકની તલાશી લેતા તેમાં વિદેશી દારૂનો દમણ બનાવટનો જથ્થો ભરેલો હતો. પોલીસે તેની ગણતરી કરતા વિદેશી દારૂની ૧૧૯૭૬ બોટલ કિંમત રૂા.૧૦,૭૭,૬૦૦નો જથ્થો મળી આવતા રૂા.૧૦ લાખની ટ્રક અને મોબાઈલ મળીને કુલ રૂા.૨૫,૯૨,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરી હે.કો.દિગ્વિજયસિંહ જગતસિંહએ પલસાણા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(3:31 pm IST)