Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સુરતમાં સોસાયટીના લોકોને ઈનામની લાલચ આપી વેપારી પાસેથી ભેજાબાજે 3.60 લાખ પડાવ્યા

 સુરત:સોસાયટીઓમાં સ્ક્રેચ કાર્ડ કુપન લઇને ઇનામ આપવાની લાલચ આપતી ટોળકીએ સરથાણાના વેપારીને ઠગ્યો હતો. વેપારીએ કુપન ખોલી એટલે તેનું રૂ.૧૦ લાખનું ઇનામ લાગ્યું પરંતુ આ ઇનામની રકમ લેતા પહેલા ટોળકીએ રજિસ્ટ્રેશન અને ટીડીએસના રૂ.૩.૬૦ લાખ ભરાવ્યા બાદ છૂ થઇ જતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. 

સુરતના સરથાણા વિસ્તારમાં ગોદાવરી પાર્ક સોસાયટી-૧માં રહેતા લાલજી ભાઇ લક્ષ્મણભાઇ ચોવટીયા કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તા.૧૨મી જુલાઇના રોજ તેમના ઘર નજીક નાપતોલ કંપનીના નામે એક કુપન લઇને બે સેલ્સમેન આવ્યા હતા. અને વેપારીને લોભામણી સ્ક્રીમ આપી હતી કે, નાપતોલની કુપન સ્ક્રેચ કરશો તો જે ઇનામ લાગે તે તમને મળશે. સેલ્સમેનની વાતમાં ભોળવાઇ ગયેલા વેપારીએ કુપન ખોલતા જ રૂ.૧૦ લાખનું ઇનામ લાગ્યું હતું. પણ બન્ને સેલ્સમેને તેમને કહ્યું કે, તમારે દસ લાખ રૂપિયા જોઇતા હોય તો અમારી હેલ્પલાઇન પર ફોન કરીને રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. વેપારીએ હેલ્પલાઇન પર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રજિસ્ટ્રેશન ફી અને ટીડીએસ મળીને કુલ રૂ.૩.૬૦ લાખ ભરવા પડશે. આ રૂપિયા ભર્યા પછી જ ઇનામની રકમ મળશે એવું કહેવાતા વાતમાં આવી જઇને તેમણે રૂપિયા ભરી દીધા હતા. રૂપિયા ભર્યા બાદ ઇનામની રકમ માટે એકાદ મહિનો રાહ જોયા પછી પણ બેન્કમાં રૂપિયા જમા ના થતા આખરે હેલ્પલાઇન પર તપાસ કરવા પ્રયાસ કર્યો હતો પણ હેલ્પલાઇનનો ફોન જ બંધ આવતો હતો. આથી વેપારીને ખબર પડી કે દસ લાખ રૂપિયાના ઇનામની લાલચ આપીને ગઠિયા ઉલ્લુ બનાવી ગયા છે. જેથી સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

(5:46 pm IST)