Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ગાંધીનગર-સે-19માં બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ 1.11 લાખની મતાની ઉઠાંતરી કરી

ગાંધીનગર:શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહયો છે ત્યારે શહેરના સે-૧૯માં આવેલ ઘ-ટાઈપ વસાહતના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો ૧.૧૧ લાખની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા.

આ સંદર્ભે સે-ર૧ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે જેના પગલે પોલીસે ગુનો નોંધીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ હાથ ધરી છે. 

ગાંધીનગર શહેરમાં ઘરફોડ ચોરીના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહયો છે. પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા માટે ખાસ એકશન પ્લાન પણ તેયાર કરવામાં આવ્યો છે પરંતુ તે કારગત નિવડતો નથી. અસરકારક પેટ્રોલીંગ થાય તે હેતુથી ઈ-બીટ સિસ્ટમ અમલી કરવામાં આવી છે. પરંતુ ઘરફોડ અટકતી નથી.

શહેરના વીવીઆઈપી ગણાતાં એવા સે-૧૯માં આવેલી સરકારી વસાહતમાં ઘ-ટાઈપ મકાન નં.ર૮૩/ર માં રહેતાં પંકજભાઈ પુરુષોત્તમભાઈ પટેલ પરિવાર સાથે સામાજિક કામ અર્થે વડોદરા મુકામે મકાન બંધ કરી ગયા હતા તે દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનનું તાળું તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૧.૧૧ લાખની મત્તા ચોરી પલાયન થઈગયા હતા.

(5:37 pm IST)