Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વિદ્યાનગર: બિલ્ડરપુત્રના અપહરણના પ્રયાસમાં અદાલતે આર્મીમેનના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા

વિદ્યાનગનર:ના બિલ્ડરપુત્રના અપહરણના પ્રયાસમાં ઝડપાયેલા વિદ્યાનગરના આર્મીમેનના પોલીસે ચાર દિવસના રીમાન્ડ મેળવીને સમગ્ર કાંડના મુળ સુધી પહોંચવાની કવાયત હાથ ઘરી છે ત્યારે અપહરણનું કાવતરું રચીને વિદ્યાનગરનો મુખ્ય સૂત્રધાર વિદેશ ફરાર થઈ ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર વિદ્યાનગરના બિલ્ડરપુત્ર મિહીર ઉર્ફે ભયલુ ધીરૂભાઈ પટેલનું અપહરણ કરવાના પ્રયાસમાં ગઈકાલે ઝડપાયેલા આર્મીમેન જીતેશ ઉર્ફે મુર્તી માછીને પોલીસે કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડની માંગણી કરતા કોર્ટે ૪ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સમગ્ર અપહરણકાંડ પાછળ વિદ્યાનગરના એક પટેલ યુવાનની ભૂમિકા બહાર આવી છે. જે અપહરણનું કાવતરું રચીને ત્રણેક મહિના પહેલા જ વિદેશ ફરાર થઈ ગયો હતો અને ત્યાંથી આર્મીમેનને દિશાસૂચનો આપતો હોવાનું જાણવા મળ્યું છે. 
જે દિવસે અપહરણનો પ્રયાસ કરાયો ત્યારે દાહોદના ત્રણ શખ્સોની સાથે જીતેેશ ઉર્ફે મુર્તી પણ કારમાં સાથે જ હતો. અપહરણનો પ્રયાસ નિષ્ફળ ગયા બાદ જીતેશ ઉર્ફે માછી સો ફુટના રોડ ઉપર ઉતરી ગયો હતો અને ત્યાંથી પોતાના મિત્રને બોલાવીને પરત વિદ્યાનગર જતો રહ્યો હતો. બનાવ વખતે તેની પાસે દેશી બનાવટની પીસ્ટલ પણ હતી પરંતુ કહેવાય છે કે તેમાં કારતુસો નહોતા જેથી તેનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતુ. પોલીસે આ પીસ્ટલ પણ કબજે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આર્મીમેનનું નાગાલેન્ડમાં પોસ્ટીંગ છે અને તે રજા ઉપર પોતાના ઘરે આવ્યો હતો. વિદેશ જતા પહેલા મુખ્ય સૂત્રધાર અને આર્મીમેન સાથે કેટલીય બેઠકો યોજાઈ ગઈ હતી અને છેલ્લા કેટલાક સમયથી બિલ્ડરપુત્રની રેકી કરવામાં આવતી હતી. બીજી તરફ પોલીસે આજે મેજીસ્ટ્રેટ સમક્ષ અહિમા ચોકડીએથી ઝડપાયેલા આરોપીઓની ઓળખપરેડની વિધિ હાથ ઘરી હતી જેમાં ફરિયાદીએ એક આરોપીને ઓળખી બતાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

(5:34 pm IST)