Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

પીપળી નજીક ટ્રકની હડફેટે ભાઈ-બહેન પૈકી યુવતી મોતને ભેટી: ભાઈને ગંભીર ઇજા

પીપળી: ગામના સુથારી તલાવડી પાસે રહેતા અરવિંદભાઈ પરમારનો પુત્ર ઋતિક પરમાર પોતાની ૧૬ વર્ષીય બહેનને લઈ કિંખલોડ ખાતે દવાખાનામાં દવા લેવા ગયો હતો અને દવા લઈ પરત ફરી રહ્યો હતો ત્યારે પીપળી કિંખલોડ માર્ગ પર કિંખલોડ ચોકડી તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રક નં. જીજે-૦૭ યુયુ-૨૫૩૨એ આગળ જઈ રહેલ બાઈક નં. જીજે-૨૩ એફ-૧૮૨૭ ને ટક્કર મારી હતી જેને બાઈક ચાલક ઋતિકભાઈ અરવિંદભાઈ પરમાર અને પાછળની સીટ પર બેઠેલ ૧૬ વર્ષીય યુવતી સુધાબેન અરવિંદભાઈ પરમાર બંને જણાં રોડ પર પટકાયા હતા. જેમાં સુધાબેનના શરીર પર ટ્રક્નું તોતિંગ ટાયર ફરી વળતા તેણીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ચાલકને ઈજાઓ પહોંચતા તેને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે બોરસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અક્સ્માત સર્જીને ટ્રક લઈને નાસી છૂટ્યો હતો. અને ૩ કિલોમીટર દૂર ટ્રકને મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈ ભાદરણ પોલીસ દોડી આવી હતી. અને ટ્રકને કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. 
ભાદરણ-ગંભીરા માર્ગ પર ટોલટેક્ષ બચાવવા અને કિલોમીટરમાં લાંબો ફરક પડતો હોઈ ભારે વાહનો આ માર્ગ પરથી પસાર થતા હોય છે અને બેરોકટોક બેફામગતિએ દોડતા ભારે વાહનોને લઈ અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે જેમાં નિદોર્ષ વ્યક્તિઓ જીવ ગુમાવી રહ્યા છે ત્યારે પોલીસ અને તંત્ર દ્વારા અકસ્માતો થતાં અટકે તે માટે નક્કર પગલાં ભરે તેવી આ વિસ્તારના ગ્રામજનોની લાગણી અને માંગણી પ્રવર્તી રહી છે.

(5:33 pm IST)