Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

કોંગ્રેસે દબાણ વધારતા સરકાર ભીંસમાં, ખેડૂતો માટે કંઈક નવી જાહેરાત કરશે ?

ખેડૂતો માટે અચ્છે દિન આવશેઃ નીતિન પટેલનો સૂચક નિર્દેશ

રાજકોટ, તા. ૧૮ :. કોંગ્રેસે ખેડૂતોનો મુદ્દો પકડી સરકાર સામે આંદોલન શરૂ કરતા સરકાર હવે બચાવના મૂડમાં આવી ગઈ છે. લોકસભાની ચૂંટણી માથે આવી રહી છે તેવા ટાણે ખેડૂતોની નારાજગી સરકારને પોષાય તેમ નથી તેથી ખેડૂતો માટે સરકાર કંઈક રાહતરૂપ યોજના જાહેર કરે તેવા નિર્દેશ મળી રહ્યા છે.

હાર્દિક પટેલે ૧૮ દિવસ ઉપવાસ કરી ખેડૂતોના દેવા માફીની માંગણી બુલંદ બનાવેલ. દેવા ઉપરાંત વિજળી, પાણી, પાકવિમો, પોષણક્ષમ ભાવ વગેરે ખેડૂતોના પ્રશ્નો છે. કોંગ્રેસે પણ ખેડૂતોના મુદ્દાને બરાબર ઉપાડી લીધો છે. આજે વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે જ ખેડૂતોને ભેગા કરી વિધાનસભાને ઘેરાવ કરવા પ્રયાસ કરેલ. સરકાર ખેડૂત વિરોધી હોવાના ખુલ્લા આક્ષેપો કરેલ. મગફળી કૌભાંડ જેવા મુદ્દાએ સરકારની આબરૂને જોરદાર ધક્કો લગાડયો છે. આ બધી અસર ભુંસવા સરકાર ટૂંક સમયમાં જ ખેડૂતો પર વરસે તેવી સંભાવના નકારાતી નથી.

આજે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહેલ કે ખેડૂતો માટે અચ્છે દિન આવશે. તેમના આ નિવેદનને સૂચક માનવામાં આવે છે.

(3:41 pm IST)