Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ગૃહખાતાના બનાવટી સંયુકત સચિવ બની જેલમાં જયેશ પટેલને મળેલ શખ્સની ક્રાઈમ બ્રાંચ દ્વારા સઘન પૂછપરછ

વડોદરા સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા લેવાયેલી સાવચેતી રંગ લાવી : પારૂલ યુનિવર્સિટીના ટ્રસ્ટી એવા જયેશ પટેલના પુત્રીનો પણ જવાબ લેવાશે

રાજકોટ, તા. ૧૮ :. વડોદરા નજીકની પારૂલ યુનિવર્સિટીના સર્વેસર્વા એવા હાલ વડોદરા જેલમાં બંધ ફાઉન્ડર ચેરમેન જયેશ પટેલને ગૃહખાતાના અન્ડર સેક્રેટરીના નામનુ બનાવટી આઈકાર્ડ તૈયાર કરી તે દ્વારા મળવા જનાર સાબરકાંઠાના હિંમતનગરના સાંકાભાઈ કચરાભાઈની વડોદરા ડીસીબીએ ધરપકડ કરી સઘન પૂછપરછ ચાલુ કર્યાનું પોલીસ સૂત્રો જણાવે છે.

પોલીસ સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ગૃહખાતાના સંયુકત સચિવનુ બનાવટી આઈકાર્ડ તૈયાર કરી બનાવટી સંયુકત સચિવ બની જેલમાં જનાર ઉકત શખ્સે પોતે જયેશ પટેલને ૧૫ વર્ષથી ઓળખતો હોવાનું જણાવ્યુ હતું. તેઓ સેવાકીય સંસ્થા ચલાવતા હોવાનું જણાવવા સાથે તેમને આસાનીથી નહિ મળી શકાય તેવુ જાણવા મળતા ગૃહખાતાના સંયુકત સચિવનું બનાવટી આઈકાર્ડ તૈયાર કરી મળવા ગયાની કબુલાત આપી છે.

આરોપી કે જે જેલમાં જતી વખતે નાસ્તાના પેકેટ સાથે ઝડપાયેલ તેવા આ શખ્સની પૂછપરછમાં ચોક્કસ જાતની શંકા આધારે ઉલટ પૂછપરછ માટે પારૂલ યુનિવર્સિટીના ટ્રસ્ટી પારૂલબેન કે જેઓ ફાઉન્ડર ચેરમેનના જયેશભાઈ પટેલના પુત્રી છે. તેમની પણ આ મામલે તૂર્તમાં પૂછપરછ થનાર છે.

અત્રે યાદ રહે કે વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે ક્રાઈમ બ્રાંચ, એસઓજી વિગેરે મહત્વની બ્રાંચોને જૂની પદ્ધતિ મુજબ જેલમાં જઈ ગુન્હેગારોને ઓળખવા સમયાંતરે મુલાકાત લેવા સાથે જેલમાં પણ કોઈ આરોપીને કોઈ અન્ય રીતે મળવા ન આવે તેની કાળજી લેવા જેલ સત્તાવાળાઓને સૂચવ્યુ હતુ. અનુપમસિંહ ગેહલોતની આ જાગૃતિને કારણે જ બનાવટી સંયુકત સચિવ (ગૃહ) ઝડપાઈ ગયેલ.

(1:25 pm IST)