Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ધારાસભ્‍યોની કમાણી પ્રતિ વ્‍યકિતની સરેરાશ આવકથી રર ગણી વધારે

સોૈથી વધારે આવક કર્ણાટકના ધારાસભ્‍યોની ૧.૧૧ કરોડ સોૈથી ઓછી આવક છતીસગઢના ધારાસભ્‍યોની ૫.૪ લાખ

નવી દિલ્‍હી તા.૧૮: ભારતમાં ધારાસભ્‍યોની સરેરાશ વાર્ષિક આવક ૨૪.૫૯ લાખ રૂપિયા છે. વધારે પૈસાદાર ધારાસભ્‍યોના લીસ્‍ટમાં ટોચ પર કર્ણાટક છે, ત્‍યાંના ૨૦૩ ધારાસભ્‍યોની સરેરાશ વાર્ષિક આવક ૧૧૧ લાખ રૂપિયા છે અને પુર્વ વિસ્‍તારના ૬૧૪ ધારાસભ્‍યોની સરેરાશ વાર્ષિક આવક સોૈથી ઓછી ૮.૫ લાખ રૂપિયા છે. જયારે દક્ષિણના રાજયોના ૭૧૧ ધારાસભ્‍યોની સરેરાશ વાર્ષિક આવક ૫૧.૯૯ લાખ રૂપિયા છે. એડીઆર અને નેશનલ ઇલેકશન વોચ દ્વારા સોમવારે ધારાસભ્‍યોની આવકનું વિશ્‍લેષણ કરતા આ આંકડો બહાર પડાયો છ, જેમાં ધારાસભ્‍યોની આવકનો ખુલાસો થયો છે. છતીસગઢના ૬૩ ધારાસભ્‍યોની સરેરાશ વાર્ષિક આવક ૫.૪ લાખ છે.

ઓછુ ભણેલા ધારાસભ્‍યોની આવક વધારે

રીપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે વધારે ભણેલા-ગણેલા ધારાસભ્‍યોની સરખામણીએ ઓછું ભણેલા ધારાસભ્‍યોની આવક વધારે છે. કુલ ૪૦૮૬ ધારાસભ્‍યો માંથી ૩૧૪૫ ધારાસભ્‍યો દ્વારા રજુ કરાએલ સોગંદનામા અનુસાર પમા ધોરણ થી ૧૨ ધોરણ સુધી ભણેલાા ૩૩ ટકા ધારાસભ્‍યોની સરેરાશ વાર્ષિક આવક ૩૧.૦૩ લાખ જયારે ૬૩ ટકા ગ્રેજયુએટ અને તેનાથી વધારે ભણેલા ધારાસભ્‍યોની વાર્ષિક આવક ૨૦.૮૭ લાખ છે. અભણ ધારાસભ્‍યોની સરેરાશ વાર્ષિક આવક ૯.૩ લાખ રૂપિયા છે. રીપોર્ટમાં કહેવાયું છે કે ૯૪૧ ધારાસભ્‍યોએ પોતાની આવક જાહેર નથી કરી એટલે તેમની આવકનું વિશ્‍લેષણ નથી થઇ શકયું.ધારાસભ્‍યની સોૈથી ઓછી આવક ૩.૭૯ લાખ રૂપિયા છે. ઓછુ ભણેલા ધારાસભ્‍યોની આવક વધારે કેમ છે તેમ પુછતા એડીઆરના સ્‍થાપક સભ્‍ય જગદીપ છોકરે કહયું કે ઉચ્‍ચ શિક્ષણ વધારે આવકની ગેરંટી નથી. તેમણે જણાવ્‍યું કે વધારે આવક વાળા કેટલાય ધારાસભ્‍યો ખેતીને પોતાનો ધંધો જાહેર કરે છે. જેનું સોૈથી મોટું કારણ એ છે કે ખેતી માંથી થતી આવક ટેકસ ફ્રી છે અને આ આવકની કોઇ ચોખવટ નથી કરવી પડતી.

એડીઆરના વિશ્‍લેષણમાં આ વાત પણ સામે આવી છે કે ધંધા અથવા ખેતી કરતા ધારાસભ્‍યોની સરેરાશ વાર્ષિક આવક ૫૭.૮૧ લાખ રૂપિયા છે. રીયલ એસ્‍ટેટ બિઝનેસમાં લાગેલા અથવા ફિલ્‍મ લાઇન સાથે જોડાયેલા ધારાસભ્‍યોની વાર્ષિક આવક અનુક્રમે ૩૯ અને ૨૮ લાખ રૂપિયા છે. સોૈથી પૈસાદાર ધારાસભ્‍ય એન નાગરાજુએ પોતાની વાર્ષિક આવક ૧૫૭.૦૪ કરોડ રૂપિયા જાહેર કરી છે. તે બેંગ્‍લોર ગ્રામ્‍યના ધારાસભ્‍ય છે. સોૈથી ઓછી આવક વાળી ધારાસભ્‍ય આંધ્ર પ્રદેશની યામિની બાલા છે જેની આવક ૧૩૦૧ રૂપિયા છે.

૨૫.૫૦ વર્ષની ઉંમર વાળા ૧૪૦૨ ધારાસભ્‍યોની સરેરાશ વાર્ષિક આવક ૧૮.૨૫ લાખ, જયારે ૫૧-૮૦ ઉંમરના ૧૭૨૭ ધારાસભ્‍યોની આવક ૨૯.૩૨ લાખ રૂપિયા છે. ૮૧-૯૦ની ઉંમર ધરાવતા ૧૧ ધારાસભ્‍યોની વાર્ષિક આવક ૮૭.૧૧ લાખ રૂપિયા છે.

(10:39 am IST)