Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

અમદાવાદમાં પણ ભારે વરસાદ થયો : વેજલપુરમાં પ ઇંચથી વધુ

અમદાવાદમાં કલાકોમાં જ સરેરાશ બે ઇંચથી વધુ વરસાદ : અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા : નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ વરસાદ : અમદાવાદમાં સિઝનનો છ ઇંચ વરસાદ

અમદાવાદ,તા.૨૦ : દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્યગુજરાતમાં ભારે વરસાદ થયા બાદ અમદાવાદમાં પણ આખરે આજે ભારે વરસાદ થયો હતો અને કલાકોના ગાળામાં જ અમદાવાદ શહેરમાં સરેરાશ બે ઇંચથી વધુ વરસાદના કારણે જનજીવન ખોરવાઈ પડ્યું હતું. સાંજે કલાકોના ગાળામાં જ અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઇ ગઈ હતી. નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. નવા પશ્ચિમ ઝોનમાં આવેલા વેજલપુરમાં પાંચ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ગયો હતો જ્યારે બોડકદેવમાં બે ઇંચથી વધુ વરસાદ થતાં તમામ જગ્યાઓએ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. દક્ષિણ ઝોનની વાત કરવામાં આવે તો મણિનગરમાં બે ઇંચથી વધુ અને વટવામાં દોઢ ઇંચથી વધુ વરસાદ થયો હતો. ઉત્તર ઝોનમાં મેમ્કોમાં અડધા ઇંચથી વધુ વરસાદ થયો હતો. દુધેશ્વરમાં પોણો ઇંચ વરસાદ થયો હતો. જો કે, સૌથી કફોડી હાલત વેજલપુરમાં થઇ હતી. આજના વરસાદ સાથે જ અમદાવાદમાં સિઝનનો વરસાદ છ ઇંચ થઇ ગયો છે. હજુ સુધી ચાર ઇંચ જેટલો વરસાદ થયેલો હતો. લગભગ એક મહિના જેટલી લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે મેખરાજા મોડે મોડે પણ અમદાવાદ શહેર પર આજે જાણે મહેરબાન થયા હતા. આજે અમદાવાદ શહેરમાં ભારે ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર તોફાની વરસાદ તૂટી પડતાં અમદાવાદીઓ વરસાદી માહોલને લઇ ખુશખુશાલ બન્યા હતા. લાંબા સમય બાદ ચોમાસાનો ખરો વરસાદ હોય એ રીતે મેઘરાજા મહેરબાન થતાં શહેરીજનોએ બાફ અને ઉકળાટના વાતાવરણમાં રાહત મેળવી હતી અને વરસાદી ઠંડકનો આખરે અનુભવ કર્યો હતો. શહેરમાં આજે ધોધમાર તોફાની વરસાદને લઇ આજે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો તો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. પૂર્વના વિસ્તારમાં ફરી એકવાર સોસાયટીઓ-દુકાનોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. તો, શહેરના માર્ગો પર ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે ઠેર-ઠેર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. મણિનગરમાં સૌથી વધુ ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. નવા પશ્ચિમ ઝોનમાં દોઢથી બે ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. અમદાવાદમાં આજના ધોધમાર વરસાદે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓના પ્રિ-મોન્સુન એકશન પ્લાનની પોલ ખુલ્લી પાડી દીધી હતી. અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોમાં આજે વહેલી સવારે વરસાદના હળવાથી ભારે ઝાપટા પડયા હતા અને થોડીવાર માટે વરસાદે વિરામ લીધો હતો અને બપોરે ત્રણ વાગ્યાની આસપાસ જોરદાર ઠંડો પવન ફુંકાવાની સાથે અને વીજળીના જોરદાર કડાકા અને ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. અમદાવાદમાં લગભગ એક મહિના બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને લઇ શહેરીજનો ખુશખુશાલ થઇ ગયા હતા અને ધોધમાર વરસાદના વધામણાં કર્યા હતા. સતત ત્રણ કલાકથી વધુ સમય સુધી પડેલા ભારે વરસાદના કારણે અમદાવાદ શહેરનું સમગ્ર વાતાવરણ એકદમ ઠંડુ અને આહ્લાદક બની ગયું હતું. અમદાવાદમાં માત્ર એક જ કલાકમાં એકથી બે ઇંચ સુધીનો ધોધમાર વરસાદ વરસતાં શહેરના એસ.જી.હાઇવે, વેજલપુર, જોધપુર, વસ્ત્રાપુર, સેટેલાઇટ, નારણપુરા, નવરંગપુરા, વાસણા, મણિનગર, સીટીએમ, હાટકેશ્વર, મેઘાણીનગર, બાપુનગર, નરોડા, નારોલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વના નીચાણવાળા વિસ્તારમાં તો પહેલા જ વરસાદે ભારે હાલાકીભરી પરિસ્થિતિ જોવા મળી હતી. વરસાદી પાણી લોકોના ઘરોમાં, સોસાયટીઓ અને દુકાનોમાં ફરી વળ્યા હતા. જેને પગલે પૂર્વના સ્થાનિક રહીશો ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃધ્ધો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. પૂર્વના વિસ્તારમાં પહેલા જ અને આટલા ઓછા વરસાદમાં પણ પાણી ભરાઇ જતાં સ્થાનિક રહીશોએ અમ્યુકો સત્તાવાળાઓ પરત્વે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને સત્તાધીશોના પ્રિ-મોન્સુન એકશન પ્લાનના દાવાની પોલ ખોલી નાંખી હતી. વરસાદી પાણી ભરાઇ જવાના કારણે મીઠાખળી અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. જમાલપુર પગથિયા પાસે બિલ્ડીંગ ધરાશયી થતાં બે લોકોને ઇજા થઇ હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. તો, શહેરમાં વૃક્ષો ધરાશયી થવાની કેટલીક ઘટનાઓ પણ સામે આવી હતી. અમદાવાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સારો એવો વરસાદ પડતાં લોકોને આખરે ઉનાળાની ગરમી અને ઉકળાટથી મોટી રાહત મળી હતી. અમદાવાદીઓ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખુશખુશાલ થઇ ગયા હતા.

અમદાવાદમાં વરસાદ..

        અમદાવાદ, તા. ૨૦ : અમદાવાદમાં આજે કલાકોના ગાળામાં જ ભારે વરસાદ થયો હતો. શહેરના જુદા જુદા વિસ્તારમાં ક્યાં કેટલો વરસાદ થયો તે નીચે મુજબ છે.

સ્થળ........................................... વરસાદ (ઇંચમાં)

વેજલપુર..................................... પાંચ ઇંચથી વધુ

બોડકદેવ......................................... બે ઇંચથી વધુ

મણિનગર........................................ બે ઇંચથી વધુ

વટવા.............................................. બે ઇંચથી વધ

ચકુડિયા....................................... એક ઇંચથી વધુ

ઓઢવ.......................................... એક ઇંચથી વધુ

વિરાટનગર.................................. સવા ઇંચથી વધુ

ટાગોર......................................... સવા ઇંચથી વધુ

ઉસ્માનપુરા................................... એક ઇંચથી વધુ

રાણીપ..................................... ૩.૫૦ મીમીથી વધુ

ુકોર્પોરેશન.................................. સવા ઇંચથી વધુ

ગોતા......................................... આઠ મીમીથી વધુ

દુધેશ્વર......................................... એક ઇંચથી વધુ

મેમ્કો........................................ અડધા ઇંચથી વધુ

નરોડા  ૪.૫ મીમીથી વધુ

(8:22 pm IST)