Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

શહેરમાં ત્રણ માસમાં ૧૫.૫૩ લાખની બોગસ નોટો જમા થઇ

ક્રાઇમબ્રાંચે સમગ્ર મામલે તપાસ હાથ ધરી : અમદાવાદની વિવિધ ૧૬ બેંકોમાં ૫૦૦-૨૦૦૦, ૧૦૦, ૫૦, ૨૦ના દરની બનાવટી નોટોને જમા કરવામાં આવી

અમદાવાદ, તા.૧૯ : શહેરની ૧૬ અલગ અલગ બેન્કોમાં રૂ. ૨૦૦૦ના દરથી લઈ રૂ.૧૦ ના દરની રૂ. ૧૫.૫૩ લાખની નકલી નોટ જમા થઇ હોવાની ચોંકાવનારી વિગતો ફરી એકવાર સામે આવતાં બેકીંગ ક્ષેત્રના અધિકારીઓ સહિત શહેર પોલીસ પણ હવે તેની તપાસમાં દોડતી થઇ છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ નકલી નોટોમાં રદ થયેલી રૂ. ૫૦૦ અને ૧૦૦૦ના દરની નોટો પણ બેન્કમાં પધરાવવામાં આવી છે. આ સમગ્ર મામલે એસઓજી ક્રાઇમબ્રાંચે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એપ્રિલ ૨૦૧૮થી જૂન ૨૦૧૮ સુધીમાં રૂ.૨૦૦૦ના દરની ૧૮૯ નોટ સહિત અલગ અલગ દરની નકલી નોટ બેન્કમાં જમા થઈ હોવાનું બહાર આવ્યું છે. સૌથી વધુ રૂ.૧૦૦ના દરની નકલી નોટો આઈસીઆઈસીઆઈ બેન્કમાં જમા કરાવવામાં આવી છે. એસઓજી ક્રાઇમ બ્રાંચે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ૧૬ જેટલી બેન્કમાંથી છેલ્લા ત્રણ મહિનામાં જ રૂ. ૧૫.૫૩લાખની નકલી નોટો મળી આવી છે. નકલી નોટો મોટી માત્રામાં બજારોમાં ફરતી થતી હોય છે અને ત્યાર બાદ ગ્રાહકો પાસે જતા તે લોકો બેન્કમાં જમા કરાવતા હોય છે. સામાન્યપણે આ નકલી નોટો ભારતીય ચલણ જેવી જ દેખાતી હોય છે પરંતુ ટેક્નિકલ વ્યુ સિવાય આ નોટને જલદી ઓળખી શકાતી નથી. બેન્કોમાં નવી ૨૦૦૦ના દરની ૧૮૯, ૫૦૦ના દરની ૧૯૦, ૧૦૦ના દરની ૨૨૫૮, ૫૦ના દરની ૧૫૫, ૨૦ના દરની ૦૬, ૧૦ના દરની ૦૨ નોટ જમા થઇ છે. આ ઉપરાંત સરકારે રદ કરેલી રૂ.૫૦૦ના દરની ૬૦૦ અને ૧૦૦૦ના દરની ૩૪૭ નોટો પણ બેન્કમાં પધરાવવામાં આવી છે. જેનો અર્થ એ છે કે હજી પણ બજારમાં રદ કરાયેલી નોટો ફરે છે અને તેઓ બેન્કમાં પધરાવી લોકો છેતરપિંડી આચરે છે. સૌથી વધુ નકલી નોટ આઈસીઆઈસીઆઈ બેન્કમાં જમા થઇ છે. જમા થયેલી નોટોમાં ૧૦૦ના દરની સૌથી વધુ નકલી નોટો હોવાનું બહાર આવ્યું છે. રદ થયેલી રૂ. ૫૦૦ અને ૧૦૦૦ના દરની નોટો બેન્ક ઓફ બરોડામાંથી મળી આવી છે.  દેશના અર્થતંત્રને આ નકલી નોટોથી ખૂબ જ મોટું નુકસાન પહોંચી શકે છે. બજારોમાં ફરતી આ નકલી નોટો આખરે બેન્કમાં જમા થતાં બેન્કના અધિકારીઓ પણ આ નકલી નોટોને ઓળખવામાં થાપખાઈ જાય છે. નકલી નોટો બેંકોમાં જમા કરાવવાના સમગ્ર પ્રકરણમાં એસઓજી ક્રાઇમબ્રાંચે હવે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

(9:34 pm IST)