Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

કાર્ડ મારફતે ૧.૩૮ લાખ રૂપિયા ગઠિયાએ ઉપાડ્યા

અસારવા સિવિલ સામે એટીએમ ખાતેનો બનાવ : યુવકના ડેબિટ કાર્ડને નજર ચૂકવી બદલી કાઢી ગઠિયાએ ૧.૩૮ લાખ ઉપાડ્યા : શાહીબાગના પોલીસમાં ફરિયાદ

અમદાવાદ, તા.૧૯ : શહેરની અસારવા સિવિલ હોસ્પિટલની સામે આવેલ એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે આવેલ એક યુવકનું ડેબિટ કાર્ડ એક ગઠિયાએ નજર ચૂકવીને લઇ લીધા બાદ એટીએમમાંથી ૧.૩૮ લાખ ઉપાડી લેતાં ચકચાર મચી ગઇ હતી. ગઠિયાએ આ યુવકને મદદ કરવાના બહાને ભોળવ્યો હતો અને ચતુરાઇપૂર્વક તેનું ડેબિટ કાર્ડ બદલી તેનો પિન નંબર જાણી લીધો હતો અને ત્યારબાદ તેના કાર્ડ મારફતે રૂ.૧.૩૮ લાખ સેરવી લીધા હતા. આ બનાવ અંગે ઠગાઇનો ભોગ બનેલા યુવકે શાહીબાગ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. અસારવા સિવિલ હોસ્પિટલની સામે આવેલ કાંતિલાલની ચાલીમાં રહેતા પ્રકાશ ભીલે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે. ફરિયાદની વિગતો મુજબ, તારીખ ૩ જૂન ૨૦૧૬ના રોજ પ્રકાશ તેની માતાનું ડેબિટ કાર્ડ લઇને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ગેટની સામે એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે ગયો હતો. પ્રકાશ ડેબિટ કાર્ડથી એટીએમમાં રૂપિયા ઉપાડવાની પ્રોસેસ કરતો હતો ત્યારે તેની પાછળ એક યુવક ઊભો હતો. ડેબિટ કાર્ડ સ્વાઇપ કરતી વખતે એટીએમના ડિસ્પ્લેમાં કોઇપણ માહિતી નહીં આવતાં યુવકે પ્રકાશ પાસેથી ડેબિટ કાર્ડ લઇને તેની મદદ કરી હતી. જેમાં પ્રકાશે ડેબિટ કાર્ડનો પિન નંબર આપી દીધો હતો. યુવકે પ્રકાશની નજર ચૂકવીને બીજી કોઇ વ્યકિતનું ડેબિટ કાર્ડ આપીને જતો રહ્યો હતો. મોડી રાતે પ્રકાશની માતાના મોબાઇલ પર બેન્કમાંથી ૧.૩૮લાખ રૂપિયા ડેબિટ થઇ ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. પ્રકાશે તાત્કાલીક ડેબિટ કાર્ડ બ્લોક કરાવી દીધું હતું અને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે પહોંચી ગયો હતો. શાહીબાગ પોલીસે પ્રકાશની અરજી લઇને તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન કશું જ મળી નહીં આવતાં દોઢ મહિના બાદ પોલીસ ગુનો દાખલ કર્યો છે. જો કે, આ પ્રકારના બનાવો અવારનવાર બનતા હોવાથી શહેરીજનોએ ખાસ કરીને મહિલાઓએ આવા ગઠિયાઓથી વધુ સાવધ રહેવાની જરૂર છે.

(9:33 pm IST)