Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ગુજરાતનું સુરત એકમાત્ર શહેર જ્યાં બોલાય છે ૫૭ ભાષાઓ : કચ્છ ૫૩ સાથે બીજા ક્રમે

સુરતના અડધાથી વધુ લોકોની માતૃભાષા ગુજરાતી નથી : ગુજરાતમાં બોલાય છે ૯૦ ભાષાઓ : અમરેલીમાં ૯૯ ટકા લોકોની માતૃભાષા ગુજરાતી : રાજકોટમાં ૯૬.૦૪ ટકાની

અમદાવાદ તા. ૧૯ : ભારતનું ટેકસ્ટાઈલ અને ડાયમંડ હબ કહેવાતા શહેર સુરતમાં ગુજરાતમાં સૌથી વધારે ભાષાકીય વૈવિધ્ય જોવા મળે છે. અહીં ભારતની ૧૨૪ ભાષાઓમાંથી ૫૪ ભાષાઓ બોલાય છે. સુરતના અડધાથી વધારે લોકોએ જણાવ્યું કે, તેમની માતૃભાષા ગુજરાતી નથી.

૨૦૧૧ના વસતીગણતરીના ડેટા અનુસાર, સુરતમાં ૫૭ ભાષાઓ બોલાય છે. સુરત શહેરમાં ૫૪ ભાષાઓ બોલાય છે. અહીં દેશભરના લોકો આવીને વસ્યા હોવાને કારણે ભાષાકીય વૈવિધ્ય ઘણું જોવા મળે છે. સુરતની કુલ વસતીના માત્ર ૫૪.૮૦ ટકા લોકોની માતૃભાષા ગુજરાતી છે.

વસતી ગણતરીના ડેટા અનુસાર, ગુજરાતમાં ૯૦ અલગ અલગ ભાષાઓ બોલાય છે. સુરત પછી ભાષાની આ વિવિધતા કચ્છમાં જોવા મળે છે, જયાં ૫૩ અલગ અલગ ભારતીય ભાષાઓ બોલાય છે. અહીં પણ માત્ર ૫૪.૯૦ ટકા લોકોની માતૃભાષા જ ગુજરાતી છે.

ડાંગમાં માત્ર ૩૨.૫૦ ટકા લોકોની માતૃભાષા ગુજરાતી છે. અહીંના મોટાભાગના લોકો ડાંગલી ભાષા બોલે છે. જો વડોદરાની વાત કરીએ તો, વડોદરામાં ભારતની ૫૨ ભાષાઓ બોલાય છે. અમદાવાદમાં ૪૯ ભાષાઓ બોલાય છે. વડોદરામાં ૭૩.૯૦ ટકા વસતીની માતૃભાષા ગુજરાતી છે, જયારે અમદાવાદમાં ૬૮.૩૦ ટકા લોકોની માતૃભાષા ગુજરાતી છે.

અમદાવાદ શહેરમાં ભારતની ૪૯ ભાષાઓ બોલાય છે, ત્યારે જિલ્લાના દેત્રોજ- રામપુરામાં ભારતની ૬ જ ભાષાઓ બોલાય છે. અમુક ગ્રામ્ય વિસ્તારો એવા છે જયાં ભાષાકીય વૈવિધ્ય ઘણું ઓછું છે. જેમ કે પંચમહાલના જાંબુઘોડામાં માત્ર ૩ ભાષાઓ બોલાય છે, ગુજરાતી, હિન્દી અને તેલુગુ. અહીં માત્ર ૧૧ લોકો તેલુગુ ભાષા બોલે છે. અમરેલીના લિલિયામાં ચાર જયારે ખાંભામાં પાંચ ભાષાઓ બોલાય છે.

જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો, અમરેલીમાં ૯૯ ટકા લોકોની માતૃભાષા ગુજરાતી છે. રાજકોટમાં ૯૬.૦૪ ટકા, સુરેન્દ્રનગરમાં ૯૮.૮૪ ટકા, જૂનાગઢમાં ૯૬.૮૪ ટકા અને પોરબંદરમાં ૯૬.૭૬ ટકા લોકોએ પોતાની માતૃભાષા ગુજરાતી જણાવી છે.(૨૧.૧૧)

(11:55 am IST)