Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

અમદાવાદમાં ઝરમર છાંટણા વરસાદથી લોકો અધીરા બન્યા

દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો : અમદાવાદમાં વરસાદી ઝાપટા જારી રહેવાની સંભાવના

અમદાવાદ, તા.૧૫ : અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી શહેરીજનો ભારે આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે પણ મેઘરાજા હજુ સુધી સંપૂર્ણ રીતે મહેરબાન નથી થયા. છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેર અને જિલ્લામાં વરસાદની પધરામણી થઇ છે પરંતુ અમીછાંટણા અથવા તો ઝરમરીયા છાંટણા સ્વરૂપે. વરસાદ ખેંચાતા અને ઝરમરીયા વરસાદને લઇ હવે શહેરીજનો અધીરા અને જાણે વ્યાકુળ બન્યા છે અને મેઘરાજાને મુકતમને તેમની મહેર વરસાવવા વિનંતી કરી રહ્યા છે. નગરજનો મેઘરાજાની ધોધમાર વરસાદ વરસાવવાની ચાતક નજરે રાહ જોઇને બેઠા છે. અમદાવાદીઓ પર હજુ મેઘરાજા જોઇએ એવા મહેરબાન થયા નથી. અહીં બે દિવસથી અમીછાંટણા અને ઝરમર સ્વરૂપે વરસાદ છૂટક છૂટક વરસી રહ્યો છે પરંતુ તેને લઇ ઉલ્ટાના શહેરીજનો વધુ વ્યાકુળ અને અધીરા બન્યા છે. શહેરીજનો હવે શહેરમાં ધોધમાર અને વરસાદની આશા રાખીને બેઠા છે અને તે માટે મેઘરાજાને રીઝવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજયમાં દક્ષિણ ગુજરાતમાં  સુરત, વલસાડ, નવસારી સહિતના પંથકોમાં મેઘરાજા મહેરબાન થયા પછી સૌરાષ્ટ્રમાં પણ પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી હજુ સુધી અમદાવાદમાં હજુ પણ જોઇએ એવો વરસાદ જ નોંધાયો નથી. અમદાવાદમાં વરસાદી માહોલ બંધાયા પછી અચાનક વાદળો વિખરાઈ જવાના કારણે અમદાવાદીઓ અકળાઈ રહ્યા છે. આ ચોમાસામાં ૧-૨ દિવસ છોડ્યા સિવાય તૂટી પડ્યો હોય તેવો વરસાદ નથી જોવા મળ્યો અને તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જોકે, સામાન્ય વરસાદ પછી પણ શહેરના તાપામાનમાં ઘણો ઘટાડો થયો છે. ૪૦ને આંબી જતું તાપમાન છેલ્લા કેટલાક સમયથી ૨૮-૩૫ની આસપાસ જળવાઈ રહ્યું છે. અમદાવાદમાં વરસાદની આગાહીની વાત કરીએ તો આગામી કેટલાક કલાકોમાં અને અઠવાડિયા દરમિયાન સારો વરસાદ થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અમદાવાદના વરસાદની વાત કરીએ તો પાછલા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૦૦૧.૩ મિમીવરસાદ નોંધાયો છે. આ સિવાય અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો બાવળામાં ૫ મિમી, દસક્રોઈ અને દેત્રોજમાં ૦ મિમી, ધંધુકામાં ૨ મિમી, ધોલેરામાં ૫૫ મિમી, ધોળકા ૧ મિમી, માંડલ ૨ મિમી, સાણંદ ૩ મિમી અને વિરમગામમાં ૦ મિમી વરસાદ નોંધાયો છે. દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાન આજે ૩૦.૬ અને લઘુત્તમ તાપમાન ૨૫.૬ નોંધાયું હતું.

(9:17 pm IST)