Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

બાંધકામ ઉદ્યોગ ઝડપથી વૃધ્ધિ પામી રહ્યો છે : ડો.ભાર્ગવ દવે

ડિજીટાઇઝીંગ કન્સ્ટ્રકશન વિષય પર વર્કશોપ : બાંધકામ ઉદ્યોગના વિકાસને લઇને અપાર તક રહેલી છે દેશ-વિદેશના અનેક નિષ્ણાત તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું

અમદાવાદ,તા. ૧૫ : અમદાવાદમાં કચેરી ધરાવતી ફિનલેન્ડ સ્થિત વિઝિલિન દ્વારા સેપ્ટ યુનિવર્સિટીમાં 'ડિજીટાઈઝીંગ ધ કન્સ્ટ્રકશન ઈન્ડસ્ટ્રી વીથ લિન એન્ડ બિમ' વિષય પર ગઇકાલે એક દિવસનાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિઝિલિનનાં સીઈઓ ડો. ભાર્ગવ દવેએ જણાવ્યું હતું કે, ભારતમાં બાંધકામ ઉદ્યોગ ઝડપથી વૃધ્ધિ પામી રહ્યો છે અને તેમાં સુધારણાનો ઘણો મોટો અવકાશ છે. ભારતમાં મોટી બાંધકામ ઉદ્યોગની કંપનીઓ ગ્રાહકો અને સત્તાવાળાઓની માંગ પ્રમાણે લિન પ્રેકટીસીસ દ્વારા બિમનું અમલીકરણ કરતી થઈ છે, જે નોંધનીય છે. છેલ્લા દશકામાં ભારતમાં જયારે બાંધકામ ઉદ્યોગ પૂરજોશમાં વૃધ્ધિ પામ્યો છે અને તેને લઇ અપાર તકો ઉદ્ભવી રહી છે, ત્યારે લીન અને બિમ ડિજીટલાઇઝેશન અંગે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  બિમના અમલીકરણમાં યુએસએ અને યુરોપનાં કેસ સ્ટડીઝ સાથે મુખ્ય કન્સેપ્ટસથી ટોચના રીસર્ચ આઈડીયાઝ અને સફળતાપૂર્વકની અમલીકરણ પધ્ધતિઓને આવરી લેવાશે. તેમણે જણાવ્યું કે, 'લીન કન્સ્ટ્રકશન અને બિમ (બિલ્ડીંગ ઈન્ફોર્મેશન મોડેલીંગ)નાં ક્ષેત્રમાં 'લીન' ફિલસૂફી મુખ્યત્વે જાપાનથી આવી છે, કે જ્યાં અતિ ઝીણવટપૂવર્ક ચોકસાઈથી કરકસરયુક્ત કાર ઉત્પાદન લીન પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. લીન ફિલસૂફી બાંધકામ ઉદ્યોગ માટે પણ આવી જ રીતે લાગુ પડે છે, કે જેમાં લઘુત્તમ સંશાધનો અને ઓછામાં ઓછા બગાડ સાથે મહત્તમ મુલ્યવર્ધિતતા લાવવાની હોય છે. 'બિમ'ની વ્યાખ્યા ટેકનોલોજીઓ, પ્રક્રિયાઓ અને સાધનોને ડિજીટલ ડોક્યુમેન્ટેશન દ્વારા બિલ્ડીંગના કન્સેપ્ટથી લઈને હેન્ડઓવર તબક્કા સુધી સરળ કરવી એવી થાય છે. સેપ્ટ યુનિવર્સિટીનાં જીઆઈડીસી ભવનમાં ગઇકાલે આ મહ્ત્વનો વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપનાં મુખ્ય વકતાઓમાં વિઝિલિનનાં સીઈઓ ડો. ભાર્ગવ દવે, યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડનાં પ્રો. લોરી કોલકેલા, ઈઝરાયલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીની ટેકનીયોનનાં પ્રો. રાફેલ સાકસ અને રોયલ હાસ્કોનિંગ ડીએચવીનાં ડાયરેક્ટર શ્રી જુગલ મકવાણા સહિતના નિષ્ણાત તજજ્ઞોએ ખૂબ ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડયા હતા.

વિઝિલિન એ વિશ્વની એકમાત્ર કલાઉડ આધારિત કન્સ્ટ્રકશન મેનેજમેન્ટ સોલ્યુશન પુરું પાડે છે, કે જે 'લીન' ને 'બિમ' સાથે સંકલિત કરી બાંધકામ ઉદ્યોગનું ઝીણવટપૂર્વકની ચોકસાઈસાથેનું આયોજન અને અમલીકરણ કરવામાં મદદ કરીને સરળ કાર્ય બનાવે છે. સેપ્ટ યુનિવર્સિટીમાં યોજાયેલા વર્કશોપ દરમ્યાન કેટલાક અગત્યના સૂચનો પણ ધ્યાન પર લેવાયા હતા.

(9:13 pm IST)