Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

બાપુ મારાથી ખફા નથી કે, ભાજપનું દબાણ પણ નથી

બાપુની નારાજગી બાદ મહેન્દ્રસિંહનો બચાવ : ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા માટેનો નિર્ણય મારો વ્યકિતગત : છ માસ સુધી વિચાર કરી પછી નિર્ણય લીધો

અમદાવાદ, તા.૧૫ : શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ગઈ કાલે રથયાત્રાના દિવસે જ કેસરિયો ખેસ પહેરી લીધો હતો. પુત્ર આ પ્રકારે અચાનક ભાજપમાં જોડાઇ જતાં ગાંધીનગર ખાતે પિતા શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ સંબોધી પુત્રના ભાજપમાં જોડાવવા અંગે મીડિયા સમક્ષ અનેક ખુલાસા કર્યા હતા અને તેને ચીમકી પણ આપી હતી. જો કે, બાપુની નારાજગી બાદ હવે મહેન્દ્ર સિંહ વાઘેલા પણ મીડિયા સમક્ષ આવ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી કે, મારા પિતા તરીકે બાપુને ચિંતા થાય તે વ્યાજબી છે. પરંતુ બાપુ મારાથી નારાજ નથી. મારા પિતાને મેં ભાજપમાં જોડાવાની વાત કરી હતી અને પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય મારો વ્યકિતગત છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભાજપમાં જોડાવા મુદ્દે મારા સમર્થકો સાથે મેં ચર્ચા કરી હતી. ભાજપમાં જોડાવવાનો નિર્ણય પણ તાત્કાલિક લેવાયો નથી. ડિસેમ્બરથી ભાજપમાં જોડાવવાની વાત ચાલતી હતી. મારા પર ભાજપનું કોઈ જ દબાણ નથી. પિતા મારાથી નારાજ નથી પરંતુ પુત્રની ચિંતા કરે છે. મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપમાં જોડાયા બાદ સૌપ્રથમવાર કહ્યું હતું કે, મે ૬ મહિના સુધી વિચાર કરીને પછી આ નિર્ણય લીધો છે. લાંબી વિચારણા બાદ જ મેં આ નિર્ણય લીધો છે. મારા પિતા સાથે મેં આ બાબતે ચર્ચા કરી હતી. શંકરસિંહ વાઘેલાએ ગઈકાલે આપેલા નિવેદન બાબતે મહેન્દ્રસિંહે કહ્યું હતું કે, બાપુ નારાજ નથી. તેમને મારી ચિંતા વ્યક્ત કરી છે. મારા પિતા મારી ચિંતા કરે તે યોગ્ય છે. બાપુ બિલકુલ ખોટું નથી બોલતા.તેમના ૫૦ વર્ષના અનુભવ મને કામ લાગશે તેમ પણ મહેન્દ્રસિંહે કહ્યું હતું. સમર્થકોને પૂછવું જોઇએ અને તેમને સાથે રાખીને નિર્ણય કરવોની બાપુની સલાહ બાબતે મહેન્દ્રસિંહે કહ્યું હતું કે, તેમની વાત તદ્દન સાચી છે. હું મારા સમર્થકો સાથે પણ વાત કરીશ. મારા સમર્થકોને આગામી સમયમાં ભાજપમાં જોડીશ. સાથે જ મહેન્દ્રસિંહે એમ પણ કહ્યું હતું કે, જાહેરજીવનમાં સમર્થકોને સાથે લઈને ચાલવાનું હોય છે. શું બાપુની ભાજપમાં ઘર વાપસી થઇ શકે એ અંગે પૂછાયેલા પ્રશ્ન પર મહેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતુંકે, બાપુ પોતાના નિર્ણયો જાતે લેશે. તેઓ પોતાની વિચારધારા પ્રમાણે ચાલે છે અને હું મારી વિચારધારા પ્રમાણે ચાલું છું. ઉલ્લેખનીય છે કે, પુત્ર ભાજપમાં જોડાતા ગાંધીનગર ખાતે શંકરસિંહ વાઘેલાએ ગઇકાલે પત્રકાર પરિષદ સંબોધી હળવી શૈલીમાં કહ્યું હતું કે, આ જય રણછોડ માખણચોરના પ્રસંગે અમારા રણછોડ (પુત્ર) રણ છોડ થશે એવી ખબર ન હતી. સાથે જ તેમણે પુત્રને એક સપ્તાહનો સમય પણ આપ્યો છે કે, જો મહેન્દ્રસિંહ એક સપ્તાહમાં ભાજપનો ખેસ નહીં ઉતારે તો અમારા પિતા-પુત્રનો રાજકીય સબંધ પૂર્ણ થઈ જશે.

(9:14 pm IST)