Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

દરિયામાં ભરતીના કારણે નવસારીના માછીવાડમાં દિવાલ તોડી દરિયાના પાણી ઘૂસ્યા ગામમાં : પાણીથી બચવા ગામલોકો ચડી ગયા ઘરની છત પર

નવસારી : જિલ્લાના માછીવાડ ગામમાં સુનામી જેવા દ્રશ્યો સર્જાયા હતા. અષાઢી બીજ હોવાને કારણે દરિયામાં ભરતી આવી હતી જેના કારણે દરિયામાં ભારે મોજા ઉછળ્યા હતા. આ મોજાને કારણે દરિયાનું પાણી ગામમાં ફરી વળ્યું હતું, દરિયાનું પાણી ગામમાં ઘૂસી જતા ગામલોકો છત પર ચડી ગયા હતા.

એક તરફ ભારે વરસાદને કારણે લોકોની સ્થિતિ કફોડી બની છે તો બીજી બાજુ નવસારી જિલ્લાના માછીવાડ ગામમાં દરિયાને કારણે લોકોને વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અહીં ગામની બાજુમાં જ દરિયો આવેલો છે. આ દરિયો અને ગામની વચ્ચે વર્ષો પહેલા એક દિવાલ બનાવવામાં આવી હતી, જો કે આ દિવાલ તો માત્ર નામની જ હતી. અષાઢી બીજને કારણે દરિયામાં આવેલા ભરતીના પાણી ગામમાં ઘૂસી ગયા હતા.

તસવીરોમાં દેખાઇ રહ્યું છે કે કેવી રીતે દરિયાનું પાણી ગામમાંફરી વળે છે. ગામમાં આવેલી સરકારી શાળામાં પણ ગોઠણડૂબ પાણી ભરાય જાય છે. આ સિવાય ગામમાં દૂકાનો કે ઘરમાં પાણી ઘૂસી જતા લોકો જીવ બચાવવા માટે અગાસી કે ઉંચી જગ્યાએ જવા મજબૂર બન્યા હતા.

ગામ લોકોનું કહેવું છે કે દરિયા કિનારે આવેલા બોરસી માછીવાડ અને દીવાદાંડી ગામમાં દર વર્ષે પ્રોટેક્શન દિવાલ ઉપરથી પાણી ગામમાં પ્રેવેશી જાય છે, આ અંગે સરકારને અનેક વખત રજૂઆત કરવા છતા કોઇ નક્કર પગલાઓ લેવામાં આવતા નથી.

(2:47 am IST)