Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

હિટ એન્ડ રન: સરખેજ નજીક હાઇવે પર પુરપાટ ઝડપે જતા વાહને વૃદ્ધને હડફેટે લેતા કરુણ મોત

ગાંધીનગર:શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે અડાલજ પાસે ગાંધીનગર સરખેજ હાઈવે માર્ગ ઉપર પુરઝડપે જતાં વાહને વૃધ્ધને અડફેટે લેતાં તેમનું મોત નીપજયું હતું. આ ઘટના સંદર્ભે અડાલજ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને અજાણ્યા વૃધ્ધની ઓળખ માટે દોડધામ શરૃ કરી છે.

ગાંધીનગર નજીકના હાઈવે માર્ગો ઉપર અકસ્માતના બનાવો દિનપ્રતિદિન વધી રહયા છે ત્યારે આજે વહેલી સવારે પાંચ વાગ્યના અરસામાં ગાંધીનગર સરખેજ હાઈવે ઉપર અડાલજ પાસે રોકેટ ગતિએ દોડતાં કોઈ અજાણ્યા વાહને ૬પ વર્ષીય વૃધ્ધને અડફેટે લેતાં તેમનું શરીરે ગંભીર ઈજાઓના કારણે મોત નીપજયું હતું.

અકસ્માત સર્જી વાહનચાલક ત્યાંથી નાસી છુટયો હતો ત્યારે આ ઘટનાના પગલે આસપાસના લોકો ત્યાં એકઠાં થઈ ગયા હતા. આ ઘટના અંગે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને વૃધ્ધની ઓળખ માટે દોડધામ શરૃ કરી હતી. પરંતુ મોડી સાંજ સુધી તેમની ઓળખ થઈ શકી નહોતી. હાલ આ અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

(6:08 pm IST)