Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

વડોદરાના ટોચના ઉદ્યોગપતિઓ-બિલ્ડરો પાસેથી ફાયરીંગના પ્રયોગ દ્વારા ખંડણી માટેનું કાવતરૂ રચાયેલું

૫ કરોડની ખંડણી માટે જાણીતા બિલ્ડર પર ફાયરીંગની ઘટનાનું રહસ્ય અંતે ખુલ્યું: તમામ મોટા ગજાના માલેતુજારોનું એ બે યુવાનોએ આખુ લીસ્ટ તૈયાર કરેલઃ સમગ્ર વડોદરાના મહાનુભાવોમાં ધાક બેસાડી કરોડોની ખંડણી ઉઘરાવવાનું એ બંન્ને યુવાનોનો 'ખંડણી ખેલ' પોલીસ કમિશ્નર મનોજ શશીધર અને એસઓજી ટીમની જાગૃતતાથી નિષ્ફળ બન્યોઃ ૩ રિવોલ્વર અને કાર્ટીસો કબ્જેઃ ઉતરપ્રદેશથી હથીયારોની હેરાફેરીઃ યુપીના શસ્ત્ર સોદાગરોની માહીતી પોલીસ કમિશ્નરે યુપીના ટોચના અધિકારીઓને આપતા જ ભારે સળવળાટ

રાજકોટ, તા., ૨૧: વડોદરાના જાણીતા બિલ્ડર જીતેન્દ્ર અગ્રવાલ પર ગત ૧૭મી નવેમ્બરે તેઓ સાઇટ પરથી ઘેર જઇ રહયા હતા. તે સમયે તેમની મર્સીડીઝ કાર પર ફાયરીંગ કરી તેને ડરાવવા પાછળનો આખો ખંડણી ખેલ વડોદરાના પોલીસ કમિશ્નર મનોજ શશીધરના માર્ગદર્શનમાં વડોદરા એસઓજી ટીમે ખુલ્લો પાડી દીધાનું ટોચના સુત્રો જણાવે છે.

હાલ વડોદરા રહેતા અને મૂળ ઉતરપ્રદેશના બે યુવાનોને ઝડપી તેની પુછપરછ કરતા જ ચોંકાવનારી હકિકતો ખુલવા પામી છે.  મૂળ યુપીના અબ્દુલખાન પઠાણ (હાલ રહેણાંક આકોટા) અને સાગર પઠાણ (હાલ રહેઠાણ વડોદરા)ની આગવી ઢબે પુછપરછ કરી તેની પાસેથી ૩ દેશી રિવોલ્વર અને ૯ કાર્ટીસ સાથે ૩ મોબાઇલ કબ્જે કરવામાં આવ્યા હતા. આરોપીઓની વિશેષ પુછપરછમાં આરોપીએ ધડાકો કરતા જણાવેલ કે, વડોદરાના જાણીતા બિલ્ડર જીતેન્દ્ર અગ્રાવત પર તેઓએ જે ફાયરીંગ કરી પગમાં ગોળી મારી તે પાછળ તેમનો હેતુ તેમને ભયભીત કરી તેમની પાસેથી પ કરોડની ખંડણી વસુલવાનો હતો.

તેઓએ આ બાબતે આગળ ઘટસ્ફોટ કરતા જણાવેલ કે જીતેન્દ્ર અગ્રાવત પર ફાયરીંગ કરી તેની પાસેથી પ કરોડની ખંડણી વસુલી વડોદરાના તમામ મોટા ગજાના ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો પર ધાક બેસાડવાનો હેતુ હતો. તેઓએ જીતેન્દ્ર અગ્રાવત પર ફાયરીંગ કરતા પહેલા તેઓના તમામ રૂટ પર રેકી કરી હતી. જીતેન્દ્ર અગ્રાવતના મોબાઇલ નંબર તેની સાઇટ પરના બોર્ડમાંથી મેળવી તે સેવ કરી લીધા હતા.

તેઓએ એ ઘટનાક્રમ વર્ણવતા જણાવેલ કે જીતેન્દ્ર અગ્રાવતની તમામ મુવમેન્ટનું નિરીક્ષણ કરી બનાવના દિવસે તેઓ એક જાળી પાછળ છુપાઇ ગયા હતા. ઇશારો થતા  જ  અબ્દુલ્લાએ મર્સીડીઝ કારમાં બેઠેલા જીતેન્દ્ર અગ્રાવતના પગ પર ગોળી મારી હતી. આને કારણે જીતેન્દ્ર અગ્રાવત ખુબ ગભરાઇ ગયા હતા. આ ઘટના બાદ વડોદરાના તમામ મોટામાથાઓમાં પણ ધાક બેસી ગઇ હતી. આનો ફાયદો ઉઠાવી મોટા ગજાના તમામ મહાનુભાવો પાસેથી ખંડણી મેળવવા માટે આખુ લીસ્ટ તૈયાર કર્યુ હતું. ક્રમશઃ દરેક પાસે કરોડોની ખંડણી ઉઘરાવવાનો તેમનો પ્લાન હતો. જે સદનશીબે વડોદરાના પોલીસ કમિશ્નર મનોજ શશીધર તથા એસઓજીની જાગૃતતાથી નિષ્ફળ બન્યો હતો. બંન્ને યુવાનો ઉત્તરપ્રદેશના આમોલમાં રહેતા ડી.કે.પાસેથી હથીયારો ખરીદ્યા હોય વડોદરા પોલીસ દ્વારા તે શસ્ત્ર સોદાગરોની માહીતી ઉતરપ્રદેશ પોલીસને પહોંચાડતા યુપી પોલીસ પણ હરકતમાં આવી ગઇ હતી. વડોદરામાં કેટલાક તત્વો દ્વારા ઉગ્રવાદી પ્રવૃતિ, ધાર્મિક ઉશ્કેરણી તથા નશાકારક ઇન્જેકશનો સપ્લાય કરી વડોદરાના યુવાધનને બરબાદ કરવાનું જે કાવતરૂ ઘડાયેલ તેને પણ પોલીસે નિષ્ફળ બનાવ્યા બાદ વધુ એક મોટી સફળતા સાંપડતા પોલીસ કમિશ્નર તથા ટીમ પર અભિનંદન વષા થઇ રહી છે. (૪.૧૨)

(3:50 pm IST)