Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

કરોડોનો બીટકોઇન મામલોઃ માસ્ટર માઇન્ડ કોણ? પીઆઇ અનંત પટેલ કે કોઇ મોટુ માથુ? રિમાન્ડ શરૂ

આરોપી પોલીસમેનો પીઆઇ તરફ આંગળી ચિંધે છે, જયારે પીઆઇ કઇક જુદો જ રાગ આલાપે છે? : બીટકોઇન કોના મોબાઇલમાં ટ્રાન્સફર થયા? હજુ સ્પષ્ટ થતુ નથીઃ સરકારી વાહનો કોની મંજુરીથી ગાંધીનગર લઇ જવાયેલા? પ્લેનમાં પોલીસ કોન્સ્ટેબલોની મુસાફરીની મંજુરી કોણે આપી હતી? ભારે ભેદભરમો પરથી પડદો હટાવવા સીઆઇડી વડા આશીષ ભાટીયાના માર્ગદર્શનમાં 'સીટ' તપાસ ફુલ સ્પીડમાં

રાજકોટ, તા., ર૧: સુરતના વિવાદાસ્પદ બિલ્ડર શૈલેષ ભટ્ટનું ગાંધીનગરના  કોબા સર્કલ નજીકના પેટ્રોલ પંપ પાસેથી અપહરણ કરી ગાંધીનગર પાસેના કેશવ ફાર્મમાં ગેરકાયદે ગોંધી રાખી કરોડોના બીટકોઇન ટ્રાન્સફર કરાવી લેવાનો જેમના પર આરોપ છે તેવા અમરેલીના તત્કાલીન એલસીબી પીઆઇ અનંત પટેલની ૭ દિવસની રિમાન્ડનો પ્રારંભ થઇ ચુકયો છે.

ડીજીપી કક્ષાના સીઆઇડી વડા આશીષ ભાટીયાના સીધા માર્ગદર્શન હેઠળ સીટ દ્વારા ચાલતી આ તપાસમાં સીઆઇડી સૌ પ્રથમ તો એ જાણવા માંગે છે કે આ કરોડોના બીટકોઇન પડાવી લેવા, મુંબઇમાં સોદો કરવો. ફલાઇટમાં મુસાફરી કરવી, સરકારી વાહનોનો ઉપયોગ કરવો આ બધા વ્યવસ્થિત  રીતે ગોઠવાયેલ કાવતરાનો માસ્ટર માઇન્ડ ખરેખર અનંત પટેલ છે કે પછી કોઇ બીજુ મોટુ માથુ?

આ અગાઉ જેની ધરપકડ થઇ છે તેવા પોલીસમેનો સીઆઇડીની પુછપરછમાં એવું જણાવે છે કે તેઓ સુરતની તપાસ હોવા છતાં અમરેલી પોલીસ જે તપાસ કરતી હતી અને તપાસના કામે સરકારી વાહનો સાથે ગાંધીનગર પહોંચ્યા આ બધુ તેઓએ તત્કાલીન પીઆઇના હુકમથી કર્યુ હતું. બીજી તરફ બીન સતાવાર રીતે સાંપડતા નિર્દેશ મુજબ  પીઆઇ અનંત પટલ આડકતરી રીતે પોતે આ કાવતરાનો માસ્ટર માઇન્ડ નહિ હોવાનું અને કોઇ બીજા તરફ જ આડકતરો ઇશારો કરે છે.

સરકારી વકીલ વર્ષા કિરણ રાવ દ્વારા  સીઆઇડી વતી રિમાન્ડ માટેની અરજીઓ થઇ હતી તેમાં પણ આ બાબતની આડકતરી પુષ્ટી થતી હોય તેવું ફલીત થયા વગર રહેતંુ ન હોવાનું પોલીસના અનુભવી અધિકારીઓ જણાવી રહયા છે.

સીઆઇડી સમક્ષ સહુથી મોટો પડકાર કરોડોની રકમના ૧૭૬ બીટકોઇન કે જે શૈલેષ ભટ્ટના ભાગીદાર કિરીટ પાલડીયાના મોબાઇલમાં હતા. તે બીટકોઇન ખરેખર કોના મોબાઇલ મારફત કોના ખાતામાં ટ્રાન્સફર થયા છે.આ બીટકોઇનનો કહેવાતો  સોદો મુંબઇમાં કયાં રાજકારણીના સંબંધીના પુત્ર મારફેતે થયો છે.  આ બધા કાવતરામાં પડદા પાછળ રહી કોને મદદ કરી હતી?

સીઆઇડી આ સિવાય પણ મુંબઇ એક વહીવટદાર સહિત અન્ય બીજા કોણ-કોણ ફલાઇટમાં અમદાવાદથી મુંબઇગયેલા?  ભરૂચથી સરકારી વાહનમાં મોટી રકમો સાથે અમરેલી કોણ પહોંચેલુ? આ બધી બાબતો સીઆઇડી સ્પષ્ટ કરવા માંગે છે. આ પ્રકરણમાં ઇકબાલ નામ ધારણ કરનાર એડવોકેટ અને આરોપી અનંત પટેલના વિરોધાભાસી નિવેદનોને કારણે સીઆઇડી હવે બંન્નેને સામ-સામે બેસાડી બીટકોઇન ટ્રન્સફર સહીતના ભેદભરમો ઉકેલવા તત્પર બની છે.

(1:05 pm IST)