Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

અમદાવાદના ખમાસા વિસ્‍તારમાં યહુદી સમાજના લોકો ઉપર આઇઅેસના બંને અેજન્ટોઅે આતંકવાદી હૂમલો કરવાનો પ્લાન ઘડ્યો હતો

અમદાવાદઃ આઇઅેસના બે અેજન્ટો ઝડપાયા બાદ અેટીઅેસે જણાવ્યું છે કે, આ બંને આતંકવાદી અમદાવાદના યહુદી સમાજના લોકો ઉપર હૂમલો કરવાના હતાં. પરંતુ તેનો પ્લાન નાકામિયાબ રહ્યો છે.

ગુજરાત ATSએ ઓક્ટોબર 2017માં સુરતના શંકાસ્પદ ISના એજંટ કાસીમ સ્ટીમબરવાલા અને ઉબેદ મિર્ઝાની ધરપકડ કરી હતી. બંને પર મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલા નરિમાન હાઉસ અને સિનગૉગ (યહૂદીઓનું ધર્મસ્થાન) નજીક યહૂદીઓ પર લોન-વૂલ્ફ અટેક કરવાનો પ્લાન બનાવ્યો હતો. ATSના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, બંનેએ અમદાવાદના ખમાસામાં આવેલ મેઘન અબ્રાહ્મ સિનગૉગમાં યહૂદી સમાજના લોકો પર હુમલો કરવાનો કારસો રચ્યો હતો.

જો કાસીમ અને ઉબેદ તેમના પ્લાનમાં સફળ રહ્યા હોત તો નરિમાન હાઉસ પાસે આ બીજો આતંકી હુમલો હોત. 26 નવેમ્બર 2008ના રોજ LeTના આતંકીઓએ છાબડ હાઉસમાં જે પ્રકારે હુમલો કર્યો હતો તેવા જ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. ATSના અધિકારીઓએ જણાવ્યું કે, બંનેએ દિલ્હી, લખનઉ, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને સુરતના 10 વિસ્તારોમાંથી ગેરકાયદે હથિયારો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ATS અધિકારીઓએ કહ્યું કે, સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે બંને આતંકીઓએ ગેરકાયદે હથિયારો સુરતમાં છુપાવવાનો પ્લાન બનાવ્યો હતો. સૂત્રોની માહિતી પ્રમાણે, થોડા દિવસમાં જ ગુજરાત ATS કાસીમ અને ઉબેદ સામે 1500થી વધુ પાનાની ચાર્જશીટ અંકલેશ્વર કોર્ટમાં ફાઈલ કરશે. ATS100થી વઘારે સાક્ષીઓના નિવેદન નોંધ્યા છે. જેમાંથી 10 સાક્ષીઓના સીઆરપીસીની કલમ 164 હેઠળ કોર્ટના મેજિસ્ટ્રેટ સામે નિવેદન નોંધાયા છે.

ગુજરાત ATSએ બંનેના આકા અબ્દુલ્લા અલ ફૈઝલને જમૈકામાં પત્ર લખ્યો છે. કાસીમ અને ઉબેદે હુમલા પછી જમૈકા ફરાર થવાનો પ્લાન બનાવ્યો હતો. ATS અધિકારીએ જણાવ્યું કે, બંને આતંકીઓ અબદુલ્લા સાથે સતત સંપર્કમાં હતા. અબદુલ્લા બંનેને ભડકાઉ ભાષણ આપતો હતો.કાસીમ અંકલેશ્વરની એક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં કામ કરતો હતો. ATSના હાથે ઝડપાયાના 20 દિવસ પહેલાં જ તેણે ત્યાંથી રાજીનામું આપ્યું હતું. જ્યારે ઉબેદ એક વકીલ છે અને સુરતમાં તેનો હૉટલ બિઝનેસ હતો.

(6:19 pm IST)