Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

અમદાવાદના બોપલ ફ્લાયઓવર નીચેથી છ મહિનામાં ૭પ વાહનોની ચોરીઃ પોલીસ માત્ર નોટિસ લખીને સૂચના આપે છે કે અહીં વાહન પાર્ક કરવું નહીં

અમદાવાદઃ અમદાવાદના બોપલ ફ્લાયઓવર નીચે વાહનોની ચોરીથી વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે ત્યારે પોલીસ માત્ર અહીં વાહન પાર્ક કરવું નહીં તેવી નોટિસ લખીને સુચના આપતા પોલીસ તંત્ર સામે રોષ ફેલાયો છે.

છેલ્લા 6 મહિનામાં આ વિસ્તારમાંથી 75 જેટલા વાહનોની ચોરી થઈ છે. ચોરીની ઘટનાઓ અટકાવવાના બદલે સરખેજ પોલીસે અહીં નોટિસ મૂકી છે કે વાહનચાલકોએ અહીં વાહન પાર્ક કરવા નહીં. બોપલના સ્થાનિકોને લાગી રહ્યું છે કે પોલીસ પોતાની જવાબદારી ભૂલી ગઈ છે અથવા તો પોલીસે સ્વીકારી લીધું છે કે તેઓ વાહનચોરને પકડવામાં અસમર્થ છે.

6 જુલાઈ, 2017ના રોજ 1.4 કિમી લાંબા બોપલના ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન થયું હતું. દરરોજ લગભગ 1000 જેટલા વાહનો મોટા ભાગે કાર બ્રિજ નીચે પાર્ક કરવામાં આવે છે. પોલીસે નોટીસમાં લખ્યું છે કે, “આથી જાહેર જનતાને સૂચના આપવામાં આવે છે કે અહીં બોપલ બ્રિજ નીચેથી અવારનવાર વાહનોની ચોરી થાય છે. જેથી કોઈએ બોપલ બ્રિજ નીચે પોતાનું વાહન પાર્ક કરવું નહીં.”

સ્થાનિક લોકો અને દુકાનદારો સિવાય ઘણાં લોકો જે કામથી આ જગ્યાએ આવ્યા હોય તે પણ અહીં પોતાનું વાહન પાર્ક કરે છે, જેથી કરીને ટ્રાફિક ન થાય. બોપલના સ્થાનિક અજય સિંહે કહ્યું કે, “મેં જ્યારે અહીં કાર પાર્ક કરી ત્યારે બ્રિજ નીચે મેં આ નોટિસ વાંચી. ગુજરાતીમાં લખેલી આ નોટિસ ઘણા લોકો જે ગુજરાતી નથી તે વાંચવામાં અસક્ષમ છે. બીજું કે પોલીસ ચોરી ન થાય તે દિશામાં પગલાં લેવાને બદલે આવા પ્રકારની હાસ્યાસ્પદ નોટિસ મૂકે છે.”

સેટેલાઈટમાં રહેતા અને બેંક ઓફિસર તરીકે ફરજ બજાવતાં કે. એસ. ગોહેલે કહ્યું કે, “મને નોટિસ જોઈને આશ્ચર્ય થયું. જનતાની મિલકત સાચવવાની જવાબદારી પોલીસની છે. તો પછી પોલીસ વાહન પાર્ક કરવાની ના કઈ રીતે પાડી શકે? જ્યારે ઘરમાં ચોરી થાય ત્યારે પોલીસ શું એવું કહે છે કે ઘરની બહાર ન નીકળવું.”

સરખેજ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર પી. આર. રામાણીએ કહ્યું કે, “નોટિસ મૂકવા પાછળનો અમારો હેતુ ચોરી રોકવાનો હતો. 15 દિવસ પહેલા જ અમે ચોરી કરતાં 3 શખ્સોને ઝડપ્યા જેમાંથી એક તો કિશોર હતો. ચોરો પાસેથી અમે 28 વાહનો જપ્ત કર્યા, જેમાંથી 25 વાહનો બોપલ ફ્લાયઓવર નીચેથી ચોરાયેલા હતા. અમે ટૂંક સમયમાં જ ત્યાં પોલીસ ચોકી બનાવવાના છીએ.”

(7:07 pm IST)