Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સુરતમાં ડ્રેનેજ લાઈનમાં ગુંગળામણથી ત્રણ મોતને ભેટ્યા

સુરત: ઉમરા પમ્પીંગ સ્ટેશન નજીક આજે બપોરે સલામતીના કોઈ પણ સાધન વિના ડ્રેનેજ લાઈનમાં કામ માટે ઉતરેલો યુવાન બહાર ન આવતાં તેને તેને જોવા પિતા પણ ઉતર્યા હતા. જો કે, બંને બહાર ન આવતાં સુપરવાઈઝર પણ નીચે ઉતર્યા હતા પરંતુ તે પણ બહાર ન આવતાં અન્ય મજુરોએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ દોડી આવ્યું હતું અને ત્રણેયને બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. પરંતુ ગેસ ગુંગળામણને લીધે ત્રણેયના મોત નીપજ્યાં હતાં. બનાવની જાણ થતાં દોડી ગયેલી પોલીસે આ અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે ફાયરબ્રિગેડના સૂત્રો તેમજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મહાનગર પાલિકામાં ડ્રેનેજ લાઈનનું કામ કોન્ટ્રાક્ટરથી કરતા કોન્ટ્રાક્ટર મૂળજીભાઈ રાઠોડને ત્યાં નરેશભાઈ મોજીભાઈ રાઠોડ, કાંતિભાઈ ઉર્ફે કાળુભાઈ કનુભાઈ બાબરીયા અને નિલેશભાઈ સુપરવાઈઝર તરીકે કામ કરે છે. આજે બપોરે ત્રણ વાગ્યે કાંતિભાઈ બાબરીયા અને તેમના મજૂરો પીપલોદ મલ્હાર કોમ્પલેક્ષ પાછળ ઉમરા પપ્મીંગ સ્ટેશન નજીક ડ્રેનેજ લાઈન બદલવાની અને તેને સાફ કરવાની કામગીરી કરતા હતા ત્યારે મજૂર સુનીલ રાજુભાઈ ડાંગી (ઉ.વ.૧૮) (રહે. પમ્પીંગ સ્ટેશન પાસે વસાહતમાં, ઉમરા ગામ, સુરત. મૂળ રહે, નાની છાબલીગામ, દાહોદ) સલામતીના કોઈ પણ સાધન વિના ડ્રેનેજ લાઈનમાં ઉતર્યો હતો. સુનીલ ઘણા સમય સુધી બહાર ન આવતા તેને જોવા તેના પિતા રાજુભાઈ (ઉ.વ.૪૦) અંદર ઉતર્યા હતા. તે પણ ઘણા સમય સુધી બહાર ન આવતા સુપરવાઈઝર કાંતિભાઈ ઉર્ફે કાળુભાઈ (ઉ.વ.૪૫)(રહે. કુબેરનગર, સીમાડા ગામ, સુરત. મૂળ રહે, જુના વાગણીયા, અમરેલી) પણ અંદર ઉતર્યા હતા. જો કે, ઘણા સમય સુધી ત્રણેય બહાર ન આવતાં અન્ય મજૂરોએ બૂમાબૂમ કરી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું અને ત્રણેયને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જો કે, ગેસ ગુંગળામણને લીધે બેભાન થઈ ગયેલા ત્રણેયને નવી સિવિલ હોસ્પિટલનાં તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતકોના સ્વજોએ એક તબક્કે મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરી દીધો હતો. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા અનેે પોસ્ટમોર્ટમ માટે ઝડપી કામગીરી હાથ ધરી આ ઘટનામાં બેદરકારી દાખવાનારાઓ સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી.

(4:43 pm IST)