Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

દેશમાં કેરીનું ઉત્પાદન ૧૫ ટકા ઘટશેઃ નિકાસ માંગથી ભાવ ઊંચા

મોર બેસવાનાં સમયે જ ગરમી- ઠંડીનું પ્રમાણ વધઘટ થવાને કારણે ઉત્પાદનને અસર

અમદાવાદઃ કેરીના ભાવ ચાલુ વર્ષે ઊંચા રહે તેવી ધારણાં છે. દેશમાં પ્રતિકુળ હવામાનને કારણે ઉતપાદનમાં પણ ઘટાડો થયો છે અને સરકાર દ્વારા નિકાસ વધારવાનાં પ્રયાસને કારણે નિકાસ પણ વધશે. વેપારીઓ અને જાણકારોનાં મતે ચાલુ વર્ષે કેરીનાં ઉત્પાદનમાં ૧૫ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે.

ચાલુ વર્ષે વાતાવરણમાં વારંવાર ફેરફાર થયાં હતાં. સિઝન દરમિયાન અચાનક ઠડું વાતાવરણ અને  અચાનક ગરમ વાતાવરણ બની જતું હતું. ઉત્તર- પૂર્વ ભારતનાં રાજયોમાં વરસાદ અને કરા પણ પડ્યાં હતાં, જેને કારણે પણ પાકને ચાલુ વર્ષે નુકશાન પહોંચ્યું છે. કેરીમાં જાન્યુઆરી - ફેબ્રુઆરીમાં જયારે મોર બેસવાની સિઝન શરૂ થઈ ત્યારે પણ વાતાવરણમાં અચાનક ગરમી શરૂ થઈ ગઈ હતી અને ત્યારબાદ તુરંત ઠંડુ વાતાવરણ હતું. જેને કારણે ઉતારામાં મોટી અસર પહોંચી છે. કેસર કેરીનાં ભાવ રૂ.૧૦૦ પ્રતિ કિલો છે, જે ગત વર્ષની તુલનાએ ૩૦ થી ૪૦ ટકા ઊંચા ભાવ છે.

ગુજરાતનાં જુનાગઢ બાજુનાં નિલકંઠ એગ્રો મેન્ગો ફાર્મનાં રવિ વઘાસિયાએ જણાવ્યું હતું કે પ્રતિકૂળ હવામાનને કારણે કેરીનું ઉત્પાદન ૧૦ થી ૧૫ ટકા ઘટી શકે છે. મોર બેસવાનાં સમયે જ ગરમી-ઠંડીની મિકસ સિઝન રહેવાને કારણે ઉત્પાદનને અસર પહોંચી છે. પરિણામે ચાલુ સિઝનમાં છેક સુધી ભાવ ઊંચા જ રહે તેવી ધારણાં છે.

કેન્દ્ર સરકાર દ્વારા ગત જાન્યુઆરી મહિનામાં દેશમાં કેરીનાં ઉત્પાદનનો પહેલો આગોતરો અંદાજ જાહેર થયો ત્યારે અંદાજ ૨૦૭ લાખ ટનનો મૂકયો હતો, જે ગત વર્ષમાં ૧૯૫ લાખ ટનની તુલનાએ પાંચ ટકાનો વધારો બતાવે છે. જોકે હવે સ્થિતિ બદલાય હોવાથી ઉત્પાદનમાં ઘટાડો થશે.

ઓલ ઈન્ડિયા મેન્ગો ગ્રોવર્સ એસોસિએશનનાં વાઈસ પ્રેસિડેન્ટ ડી.કે.શર્માએ જણાવ્યું હતુ કે આશા રાખીએ કે આગામી બે મહિના માટે હવામાનની સ્થિતિ સારી રહેશે, કારણ કે આ સમય દરમિયાન ફળનો ગ્રોથ જોવા મળતો હોય છે. જો હવામાન બગડશે તો ઉત્પાદન ઘટી શકે છે.

(1:02 pm IST)