Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

અમદાવાદના ફોટોગ્રાફરે પ્રેમિકાની ધમકીથી કંટાળીને આપઘાત કર્યો'તો!

કોમ્પ્યુટરની સાફ-સફાઇ કરતી વખતે 'ભેદ' ટપકયોઃ ચાર મહિના પછી સત્ય બહાર આવ્યું: એક લાખ પડાવ્યા હતાં

અમદાવાદ તા.૧૯: જુના વાડજ શ્રમિકનગરમાં ચાર મહિના પહેલા ૧૦ જાન્યુઆરીના રોજ ફોટોગ્રાફર રણજીત વાઘેલા (ઉ.૩૪)એ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેના કારણ અંગે હવે છેક ખુલાસો થયો છે. કોમ્પ્યુટરમાં સેવ કરાયેલા રણજીતના કોલ રેકોર્ડિૅગને આધારે એવી વિગતો ખુલી છે કે તેની પ્રેમિકા નયનાને ધમકીઓ આપી એક લાખ પડાવી લેતાં તેના કારણે તે આપઘાત કરવા મજબૂર થયો હતો.આપઘાત કરનાર રણજીતના માતા જયાબેને ચાંદલોડીયામાં રહેતી નયના નામની પરિણીતા વિરૂધ્ધ પ્રાથમિક અરજી દાખલ કરી છે. જયાબેને જણાવ્યું છે કે મારો પુત્ર રણજીતના કોમ્પ્યુટરની સાફ સફાઇ વખતે ખબર પડી હતી કે તેમાં 'વી' નામની એક ફોલ્ડર સેવ હતું. જેમાં રણજીત અને નયના વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ હતું. આ સાંભળતા એ ખબર પડી હતી કે બંને વચ્ચે ચાર વર્ષથી પ્રેમસંબંધ હતો. નયનાએ કોઇ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી અને કટકે-કટકે એક લાખ પડાવી લીધા હતાં. આપઘાતના એક દિવસ પહેલા રણજીતને નયનાએ પોતાના ઘરે પણ બોલાવ્યો હતો. એ પછી રણજીતે આપઘાતનું પગલુ ભર્યુ હતું. રણજીત ચાંદલોડીયા વિસ્તારમાં ભાડાની દૂકાનમાં ફોટોગ્રાફીનું કામ કરતો હતો. પોલીસે વિશેષ તપાસ શરૂ કરી છે. (૧૪.૬)

(11:48 am IST)