Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

જય શાહની સંપત્તી વધારાની ચર્ચા કેમ થઈ શકે નહિ ?: કોર્ટના આદેશમાં સુધારો કરવા માંગણી

સરકારે હાઈકોર્ટ સામે પોતાનો પક્ષ મુકવો પડશે :ગુરુવારે સુનાવણી

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના જસ્ટીશ પરેશ ઉપાધ્યાય દ્વારા અગાઉ આપવામાં આવેલા ચુકાદા ઉપર એક રીવ્યુ પીટીશન થઈ છે. આ કેસના અરજદાર દ્વારા કોર્ટના આદેશમાં સુધારો માગતા માગણી કરી હતી કે જય શાહની સંપત્તી વધી તેની ચર્ચા કેમ થઈ શકે નહીં, કારણ આવી ચર્ચા દ્વારા ગુજરાતના આદિવાસી અને દલિત મતદારો કોને મત આપવો તેનો નિર્ણય કરતા હોય છે, જય  શાહની સંપત્તી વધી તે સમાચાર પ્રસિધ્ધ કરવા સામે આપેલો મનાઈ હુકમ વાણી સ્વતંત્રા ઉપર તરાપ સમાન છે, તેથી અગાઉના ચુકાદામાં સુધારો કરવામાં આવે.

    હાઈકોર્ટ સામે થયેલી રીવ્યુ પીટીશન બાદ જસ્ટીશ પરેશ ઉપાધ્યાયે સરકારને બોલાવી પુછ્યું હતું કે કોર્ટ માને છે કે ગુજરાતમાં દલિત અને આદિવાસીની સ્થિતિ સારી નથી, આ સ્થિતિમાં જય શાહની હજારગણી વધેલી સંપત્તીની ચર્ચા જાહેરમાં કેમ કરી શકાય નહીં. સરકારને આ મુદ્દે ગુરૂવારનો રોજ હાઈકોર્ટ સામે પોતાનો પક્ષ મુકવો પડશે, આ ઉપરાંત જય  શાહ પણ આ કેસના પક્ષકાર હોવાને કારણે તેઓ પોતાની વાત હાઈકોર્ટ સામે મુકી શકે છે. આ કેસની સુનવણી આવતીકાલે એટલે ગુરૂવારના રોજ થશે.

   અત્રે ઉલ્લેખનિય છે કે ધ વાયર દ્વારા જય  શાહની સંપત્તી અંગે પ્રસિધ્ધ કરેલી સ્ટોરી કોઈ પ્રકાશીત કરી શકે નહીં તેવો મનાઈ હુકમ નીચલી અદાલતે આપ્યો હતો જો કે ત્યારે બાદ નીચલી અદાલતે તેમા સુધારો કરી માત્ર નરેન્દ્ર મોદીના નામો ઉલ્લેખ વગર સ્ટોરી પ્રકાશીત કરવાની મંજુરી આપી હતી જો કે તેની સામે જય શાહ ગુજરાત હાઈકોર્ટમાં આવ્યા હતા અને જસ્ટીશ પરેશ ઉપાધ્યાયે નીચલી અદાલતના સ્ટોરી પ્રકાશીત કરવાના આદેશને રોક લગાવી હતી, જે મુદ્દે આજે અરજદારે રીવ્યુ પીટીશન કરી ચુકાદામાં સુધારો માંગ્યો છે. (મેરાન્યુઝ્માંથી સાભાર)

(9:38 am IST)