Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

હવે ગુલ્લીબાજ શિક્ષકો પર લાગશે લગામ :નવા શૈક્ષણિક સત્રથી ફિંગર પ્રિન્ટ હાજરી પુરાવી પડશે

શિક્ષકોની અનિયમિતતાની વ્યાપક ફરિયાદને પગલે દરેક શાળામાં બાયોમેટ્રિક મશીન મુકાશે

ગાંધીનગરઃ રાજ્યમાં હવે ગુલ્લીબાજ શિક્ષકો ઉપર લગામ લાગશે શિક્ષકોની અનિયમિતતા અંગે વ્યાપક ફરિયાદોને પગલે હવે દરેક શિક્ષકોએ જુન-૨૦૧૮થી શરુ થતા નવા શૈક્ષણિક સત્રમાં ફિંગરપ્રિન્ટથી હાજરી પુરાવી પડશે. જેમાં ગાંધીનગરની ૧૦ શાળાઓમાં ફિંગરપ્રિન્ટથી હાજરી પુરવાનો પાયલટ પ્રોજેકટ તા ૧૯ ને ગુરુવારથી શરૂ થશે
   રાજ્યમાં ખાસ કરીને સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સાથે શિક્ષકોની અનિયમિતતા અંગે વ્યાપક ફરિયાદો થતી હોય છે. જેમાં નવાસવા વિદ્યા સહાયકોથી લઇ નિવૃતિના આરે આવેલા શિક્ષકો દ્વારા પણ વારંવાર ગુલ્લી મારવામાં આવતી હોવાની વાલીઓ-વિદ્યાર્થીઓ અને અન્ય શિક્ષકો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હોય છે પરંતુ આચાર્ય સહીત સ્થાનિક તંત્રની ગોઠવણના કારણે આવા ગુલ્લીબાજ શિક્ષકોને જલસા પડી જાય છે. આવા ગુલ્લીબાજ શિક્ષકો હવે ઉનાળા વેકેશન બાદ મનફાવે તે રીતે શાળામાં અવરજવર કરી શકશે નહીં.
   રાજ્યની શાળાઓમાં ગુલ્લીબાજ શિક્ષકોની પ્રવૃત્તિ અટકાવવા શિસ્ત સાથે શૈક્ષણિક ગુણવત્તા વધે તે હેતુથી દરેક શાળાઓમાં બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ રીડર મશીનમાં હાજરી પુરવામાં આવશે. જેમાં ગાંધીનગરની ૧૦ શાળાઓમાં ફિંગરપ્રિન્ટથી હાજરી પૂરવાનો પાયલટ પ્રોજેકટ ૧૯ એપ્રિલને ગુરુવારથી શરૂ થઇ રહયો છે  ત્યારબાદ દરેક શાળાઓમાં બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ રીડર મશીનમાં હાજરી પુરવાનું આગામી નવા શૈક્ષણિક સત્રથી ફરજીયાત કરવામાં આવશે.

  આ અભિયાનમાં દરેક શાળાઓના આચાર્યોને સર્વ શિક્ષા અભિયાન હેઠળ એક સ્માર્ટ ફોન તેમજ બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ રીડર મશીન આપવામાં આવશે. તેના દ્વારા દરેક શિક્ષકોની પુરાયેલી હાજરીનો ડેટા જીલ્લા-તાલુકા કક્ષાની ઓફીસમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ જોઈને પગલા ભરી શકશે.

(8:16 pm IST)