Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

મહેસાણામાં ચર્ચાસ્‍પદ કાજલ પ્રજાપતિ અેસિડ પ્રકરણમાં હાર્દિક પ્રજાપતિને આજીવન કેદની સજા

મહેસાણાઃ અત્યંત ચર્ચાસ્પદ બનેલા કાજલ પ્રજાપતિ એસિડ અટેક કેસમાં આરોપી હાર્દિક પ્રજાપતિને કોર્ટ આજીવન કેદની સજા ફટકારી છે. ફેબ્રુઆરી 2016માં હાર્દિકે પોતાનો પ્રસ્તાવ ન સ્વીકારનારી 18 વર્ષની કાજલના ચહેરા પર એસિડ ફેંકી દીધો હતો. આ એસિડ અટેકમાં ગંભીર રીતે ઘવાયેલી કાજલનો આખો ચહેરો બળી ગયો હતો, અને તેને પોતાની બંને આંખો પણ ગુમાવી પડી હતી.

મહેસાણામાં નોંધાયેલી એસિડ અટેકની આ પહેલી ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બની હતી. IPS બનવાનાં સપનાં જોતી કાજલ પર એક યુવકે તેનો પ્રસ્તાવ ઠુકરાવી દેવા બદલ એસિડ ફેંક્યો હતો. મધ્યમ વર્ગની દીકરી કાજલની મહિનાઓ સુધી ચાલેલી સારવારને કારણે તેના પરિવારની હાલત કફોડી થઈ ગઈ છે. કાજલને સરકાર તરફથી સહાય ન મળતાં તેના પરિવારને તેની સરખી ટ્રીટમેન્ટ કરાવવામાં પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કાજલ પર હુમલો કરનારો હાર્દિક પ્રજાપતિ તેના પરિવારનો પરિચિત હતો. કાજલ પર એસિડ ફેંકાયો તે વખતે તેને જિલ્લા તંત્ર દ્વારા 1 લાખ રુપિયાની સહાય અપાઈ હતી. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે 15 દિવસમાં વધુ બે લાખ રુપિયાની સહાય અપાશે તેવું તેને વચન પણ અપાયું હતું. જોકે, રમોસણા ગામમાં પોતાના મોટાભાઈ અને માતા-પિતા સાથે એક રુમના ઘરમાં રહેતી ઘટનાના 9 મહિના પછી પણ કાજલ માસ્ક પહેરીને દિવસો વિતાવતી હતી.

કાજલના પિતા રિક્ષા ચલાવે છે, અને પરિવારના ભરણ-પોષણની તમામ જવાબદારી માત્ર તેમના પર જ છે. IPS બનવાના સપનાં જોતી કાજલ હવે જણાવે છે કે, એસિડ અટેકને કારણે તેનું જીવન બરબાદ થઈ ગયું છે. એસિડે મારો ચહેરો જ નહીં, મારી આકાંક્ષાને પણ બાળી દીધી છે. કાજલને વાંચવાનો ખૂબ જ શોખ હતો, પરંતુ એસિડ અટેકમાં બંને આંખો જતી રહેતા તે હવે કંઈ વાંચી પણ નથી શકતી.

કાજલ પર એસિડ અટેક કરનારા હાર્દિક પટેલની બહેન કાજલના પરિવારમાં જ પરણાવાઈ હતી. સંબંધી થતો હોવાના કારણે તે અવાર-નવાર કાજલના ઘરે આવતો-જતો રહેતો હતો. જોકે, હાર્દિક આવું કરશે તેવી કાજલ કે પછી તેના પરિવારજનોએ કલ્પના પણ નહોતી કરી.

કાજલ ભણવામાં પણ ખૂબ જ હોંશિયાર હતી. તેને બારમા ધોરણમાં 65 ટકા આવ્યા હતા, અને તે કોમર્સમાં ભણી રહી હતી. કાજલ હંમેશા કંઈક વાંચતી રહેતી. નવું-નવું જાણવાનો તેને ખૂબ જ શોખ હતો. જોકે, એસિડ અટેકે તેની જિંદગી ઘરની ચાર દીવાલો વચ્ચે મર્યાદિત કરીને મૂકી દીધી છે.

(8:11 pm IST)