Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ચાર-ચાર બંગડી ફેમ કિંજલ દવેની બાળપણના મિત્ર પવન રબારી સાથે સગાઇ

અમદાવાદઃ ચાર-ચાર બંગડી ગીતથી દુનિયાને ઘેલુ લગાડનાર કિંજલ દવેની સગાઇ તેના બાળપણના મિત્ર પવન રબારી સાથે કરવામાં આવી છે.

પોતાના મધુર અને સુરીલા કંઠથી લોકોના મનમાં ઘર કરનાર ગુજરાતી ગાયક કલાકાર કિંજલ દવેની સગાઈ થઈ હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

કિંજલ દવેનો જન્મ 1999માં થયો હતો. કિંજલ દવે ઉત્તર ગુજરાતમાં આવેલ પાટણના નાનકડા એવા ગામ જસંગપરાના એક ગરીબ ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મી હતી. તેણે 12 કોમર્સની પરિક્ષા 2017માં આપી હતી. કિંજલ દવેના પિતા હીરા ઘસવાનું કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા, સાથે તેમને ગીતો લખવાનો પણ શોખ હતો. પિતાના ગીતો લખવાના શોખને જોઈને જ 7 વર્ષની ઉંમરથી જ કિંજલ દવેને સંગીતનો જાગ્યો રસ.

કિંજલ દવે પોતાના મધુર અવાજથી ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહિતના પ્રોગ્રામથી જાણીતી બની છે. કિંજલ દવેએ નાની ઉંમરે એક લગ્નગીતનું પહેલું આલ્બમ ગાયું હતું, તેનું નામ હતું 'જોનડીયો' જે સરસ્વતિ સ્ટુડિયો દ્વારા નિર્મીત કરવામાં આવ્યું હતું જે ખુબ જ હીટ થયું હતું. આ પછી કિંજલ દવેનો સિતારો દિવસેને દિવસે ચમકતો રહ્યો. કિંજલ દવે તેના 'ચાર-ચાર બંગડીવાળી', 'વીરા વીરલ તારી ઉંમર છે થોડી' અને અમે 'ગુજરાતી લેરી લાલા' ગીત બાદ તો તેના સીતારાને ચાર-ચાંદ લાગી ગયા. ચાર ચાર બંગડી વાળી ગીતે તો યૂ-ટ્યુબ પર બધા ગીતનો રેકોર્ડ તોડી દીધો હતો, આ ગીતેને અત્યાર સુધીમાં સાડા દસ કરોડ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે.

હવે તમને પ્રશ્ન એ થતો હશે કે, સફળતાની ટોચ પર પહોંચેલ કિંજલ દવેની સગાઈ કોની સાથે થઈ છે. તો તમને જણાવી દઈએ કે, કિંજલ દવેની સગાઈ તેના બાળપણના મિત્ર એવા પવન રબારી સાથે થઈ છે. પવન રબારી  સમાજનો છે. આ સમાજમાંથી  ગીત કાર મનુ રબારી પણ આવે છે જે કિંજલ દવેના પિતાના પણ ખાસ મિત્ર છે.

કિંજલ દવે ખીચડી. કઢી, ભાખરી અને તળેલા મરચા ખાવાની ખુબ શોખિન છે. કિંજલ દવે બોલિવુડ સુપર સ્ટાર સલમાન ખાન અને દીપિકા પાદુકોણની બહું મોટી ફેન છે. કિંજલ કોઈ પણ પ્રોગ્રામ કરવા જાય ત્યારે તેની એન્ટ્રી હંમેશા જબરદસ્ત રહેતી હોય છે. તેની એન્ટ્રી હંમેશા ઓડી, મર્સિડીઝ, બીએમડબલ્યૂ જેવી લગ્ઝરીયસ કારમાં જ થતી હોય છે. તેની પાસે હાલમાં પોતાની ઈનોવા કાર છે.

(7:47 pm IST)