Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

લે બોલો ! વિજીલન્સ તપાસનું ફીંડલુ વળી ગયું: અમદાવાદમાં બ્લેક લીસ્ટ કરાયેલ કોન્ટ્રાક્ટરને જ ફરી વખત રસ્‍તાનું કામ સોંપાયું

અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશન દ્વારા રસ્‍તાના કામમાં ગેરરીતિ બાદ ૩ કોન્‍ટ્રાક્ટરને બ્લેક લીસ્‍ટ કરાયા બાદ ફરી પાછા કૌભાંડ આચરનાર કોન્ટ્રાક્ટરને કરોડોના કામો આપવામાં આવતા ભારે ચર્ચા જાગી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વાર ગત ચોમાસામાં રોડના કામના ભ્રષ્ટાચારે રાજ્યભરમાં ખળભળાટ મચાવી દીધો હતો. તંત્રની વિજિલન્સ તપાસની પ્રાથમિક તપાસમાં ડામરની ચોરી સહિતની ગેરરી‌િતઓનો પર્દાફાશ થતાં ત્રણ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરાયા હતા.

સાત એડિશનલ સીટી ઇજનેર સહિત ર૬ ઇજનેરને શો-કોઝ નોટિસસ મોકલાઇ હતી, જોકે અધિકારી અને કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગતથી અત્યારે સમગ્ર વિજિલન્સ તપાસનું ફીંડલુ વળી ગયું છે, આ તો ઠીક સત્તાવાળાઓએ રોડના કૌભાંડી કોન્ટ્રાક્ટરને કરોડો રૂપિયાનાં નવાં કામ સોંપવાના ટેન્ડરને લીલી ઝંડી આપીને ખળભળાટ મચાવી દીધો છે.

આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં મુકાયેલી નવા પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગની એક દરખાસ્તે ભારે વિવાદ જગાવ્યો છે, જેમાં ભગીરથ એસોશિયેટ્સ નામના કોન્ટ્રાક્ટરના ટેન્ડરને ૩૦ ટકા કામના વધારા સાથે મંજૂર કરાયું છે. રોડ પ્રોજેક્ટ વિભાગના પશ્ચિમ ઝોનના જુદા જુદા રસ્તાને રિસરફેસ કરવાનું કામ આ કોન્ટ્રાક્ટરને સોંપાયું હતું.

અગાઉના રૂ.૧ર.૬૪ કરોડના મૂળ ટેન્ડરની ક્વોન્ટિટીમાં ૩૦ ટકા વધારો કરીને હવે રૂ.૧૬.૪૩ કરોડનું રિવાઇઝડ ટેન્ડર કરાયું છે. ચોમાસા પહેલાં તૂટેલા રોડને રિસરફેસ કરવાની ખાસ જરૂરિયાત હોવાની બાબત પર ઇજનેર વિભાગે ભાર મૂૂકીને આ કોન્ટ્રાક્ટરના ર૧ ટકા ઊંચા ભાવના રોડના મંજૂર ટેન્ડરમાં બારોબાર ૩૦ ટકાનું વધારાનું કામ સોંપી દીધું છે.

આમાં આશ્ચર્યજનક બાબત એ છે કે તંત્ર દ્વારા આકાશ ઇન્ફ્રાસ્ટ્રકચર, જીપી ચૌધરી અને જેઆર અગ્રવાલ એમ ત્રણ કોન્ટ્રાક્ટરને રોડના કામમાં ગેરરીતિ માટે ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાયા છે, પરંતુ જે.આર. અગ્રવાલના નવ રોડ કરતાં ભગીરથ એસોશિયેટ્સના ચૌદ રોડ સંખ્યાની દૃષ્ટિએ વધારે તૂટ્યા હોવાનું વિજિલન્સ તપાસના પ્રાથમિક રિપોર્ટમાં બહાર આવ્યું હતું. તૂટેલા રોડના કૌભાંડમાં તંત્રે શરૂઆતમાં જે ૯૦ તૂટેલા રોડના નમૂના ગુજરાત એન્જિનિયરીંગ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (ગેરી)ને મોકલ્યા હતા તેમાં ભગીરથ એસોશિયેટ્સે બનાવાયેલા રોડ પણ હતા.

રોડના કામ માટે ભગીરથ ઉપરાંત નરનારાયણ ઇન્ફ્રાસ્ટ્રક્ટર, કલથિયા એન્જિનિયરીંગ, શક્તિ કન્સ્ટ્રકશન જેવા આંગળીના વેઢે ગણાય તેટલા કોન્ટ્રાક્ટર છે, જોકે હવે રોડના કામમાં કોઇ પણ ચમરબંધીને નહીં છોડાય તેવો દાવો કરનાર ભાજપના શાસકોની કોર્ટમાં દડો ગયો હોઇ ગુરુવારે આ વિવાદાસ્પદ કામ અંગે શું નિર્ણય લેવાય છે તેના તરફ સૌની મીટ મંડાઇ છે.

(6:47 pm IST)