Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

અમદાવાદમાં પરિવારજનોઅે લગ્નની ના પાડતા ટીનેજ પ્રેમી યુગલે ચપ્પાના લસરકા માર્યા બાદ ઝેરી દવા ગટગટાવી લીધીઃ બંને સારવારમાં

અમદાવાદઃ મણિનગર વિસ્તારમાં આવેલી ચરોતર પટેલની સોસાયટીમાં આજે વહેલી સવારે ૧૫ વર્ષની રીટા અને ૧૭ વર્ષિય અજયે ઝેર પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. અજય અને રીટા બન્ને એક બીજાંને છેલ્લા ઘણા સમયથી પ્રેમ કરતાં હતાં. અજય અને રીટાના માતા પિતા શ્રમજીવી હોવાથી રોજ કામ પર જતાં હતાં. માતા પિતા કામ પર જતાં હોવાથી અજય અને રીટા રોજે રોજ મળતાં હતાં.

બન્ને એક બીજાને પ્રેમ કરે છે તેવી જાણ તેમનાં માતા પિતાને થઇ હતી. બન્ને જણાની ઉમર નાની હોવાથી તેમનાં માતા પિતાએ લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. લગ્ન પ્રસંગ હોવાથી અજયનાં માતા પિતા રાજસ્થાન તેમના વતનમાં ગયા હતાં મણિનગર ખાતે આવેલી ચરોતર પટેલની સોસાયટીમાં અજયની બહેન રહે છે. અજયની બહેન વતનમાં ગઇ હોવાથી તેને રીટાને તેની બહેનના ઘરે બોલાવી હતી.

બન્ને વચ્ચે પહેલાં લગ્નના મામલે ચર્ચા ચાલી હતી જોકે કોઇ નિરાકરણ નહીં આવતાં તેમને ઝેર પીને જીવન ટુંકાવવાનો નિર્ણય લીધો હતો. અજય અને રીટા પહેલાં ચપ્પા વડે પોતાપોતાની છાતીમાં લસરકા પાડીને લોહી કાઢ્યું હતું અને ત્યારબાદ ઝેર પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.

બન્ને જણાએ ઝેર પીધું છે તેની જાણ સોસાયટીના રહીશોને થતાં તાત્કાલીક ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ બોલાવીને તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપ્યાં હતાં. બીજી તરફ મણિનગર પોલીસને સમગ્ર મામલાની જાણ થતાં તેઓ પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. મણિનગર પોલીસના જણાવ્યા અનુસાર અજય અને રીટાનાં માતા પિતા લગ્ન માટે રાજી થાય તે માટે તેમને આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. પાત્રોનાં નામ બદલેલ છે.

(6:46 pm IST)