Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

યુવતીઓએ ત્રણ કલાકમાં ત્રણસો ફૂટ વારલી ચિત્ર દોર્યું

૩૧ ઓક્ટોબર સરદાર પટેલની જન્મ જયંતી : યુવતીઓએ આ એક રેકોર્ડ હોવાનો દાવો કરી ઈન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવા કાર્યવાહી શરૂ કરી

બારડોલી ,તા.૩૧ : સરદારની કર્મભૂમિ બારડોલીમાં સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે ગેંગ્સ ઓફ સરદાર ગ્રૂપની યુવતીઓએ અનોખી રીતે સરદાર પટેલને યાદ કર્યા હતા. ગ્રૂપની યુવતીઓએ ત્રણસો ચોરસ ફૂટની દીવાલ પર કલાકમાં બારડોલી સત્યાગ્રહ થીમ પર વારલી ચિત્ર દોરી સરદારને શ્રદ્ધાંજલી અર્પી હતી. યુવતીઓએ એક રેકોર્ડ હોવાનો દાવો કરી ઈન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવાની કાર્યવાહી શરૂ કરી છે.

બારડોલીના અનેક વર્લ્ડ રેકર્ડ હોલ્ડર એવા સાગર ઠાકરના માર્ગદર્શનમાં યોજાયેલ અનોખી શ્રદ્ધાંજલીમાં મિત્તલ પટેલ, સ્વાતિ ઠાકર, ચેતના પટેલ, વિભૂતિ પટેલ, ક્રિષ્ના પટેલ અને શર્મિષ્ઠા મહેતાએ ભાગ લીધો હતો. તેમણે સરદાર જયંતિ નિમિત્તે બારડોલીના ગાંધી રોડ પર આવેલ વામદોત હાઈસ્કૂલની કમ્પાઉન્ડ વોલ પર ૩૦૦ ચોરસ ફૂટનું વારલી ચિત્રકળા માત્ર ત્રણ કલાકમાં પૂર્ણ કરી હતી. યુવતીએ વિશ્વની સૌથી જૂની આદિવાસી ચિત્રકળાને પ્રોત્સાહન આપવાના હેતુથી બારડોલી સત્યાગ્રહની થીમ પર ચિત્રો દોરવામાં આવ્યા હતા. ચિત્રમાં ખેડૂતો, ખેતી, ઉપરાંત આદિવાસી ઝૂપડા અને સ્વરાજ આશ્રમ પણ દર્શાવવામાં આવ્યો છે. ગેંગ્સ ઓફ સરદારની સભ્ય સ્વાતિ ઠાકરે જણાવ્યુ હતું કે, બારડોલી સત્યાગ્રહની થીમ પર વારલી પેંટિંગ કરી સરદારને શ્રદ્ધાંજલી આપવાની સાથે અમે એક રેકોર્ડ પણ કાયમ કર્યો છે. તેમણે દાવો કર્યો કે અગાઉ ત્રણ કલાકમાં ૧૨૪ ચોરસ ફૂટનો રેકોર્ડ હતો તેને તોડી અમે કલાકમાં ૩૦૦ ફૂટનો રેકોર્ડ કર્યો છે. રેકોર્ડ દ્વારા દેશની તમામ મહિલાઓને પોતાનામાં રહેલી શક્તિઓને ઉજાગર કરી સમાજમાં પોતાનું એક થાન મેળવવાનો સંદેશો પાઠવવાનો પણ ઉદ્દેશ રહેલો છે. પ્રસંગે બારડોલીના ધારાસભ્ય અને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વર પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને રેકોર્ડ કરવા જઇ રહેલી યુવતીઓને શુભેચ્છા પાઠવી હતી. મંત્રીએ પણ વારલી પેંટિંગ પર પોતાનો હાથ અજમાવ્યો હતો.

(8:50 pm IST)