Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

રત્નકલાકારે આઠ લોકોના જીવનમાં ઊજાશ પાથર્યો

સુરતનો પિયૂષ માંગુકિયા બ્રેનડેડ હતો : ત્રણ ગ્રિન કોરિડોર દ્વારા વિવિધ સ્થળોએ અંગો પહોંચાડીને આઠ વ્યક્તિઓને જીવન દાન અપાયાં

સુરત, તા. ૨૧ : છેલ્લા લગભગ દશકાથી તે રફ ડાયમંડને ચમકાવવાનું કામ કરે છે. તેના મૃત્યુ બાદ પણ ૨૮ વર્ષીય પિયૂષ માંગુકિયા ૮ લોકોની જિંદગીમાં ઉજાસ પાથરતો ગયો છે. ગંભીર રીતે બીમાર આઠ દર્દીઓને પિયૂષ માંગુકિયાના અંગ દાન કરવામાં આવ્યા છે. હૃદય, કિડની, ફેફસા, લિવર, આંખ, પેનક્રિઆસ સહિતના આઠ અંગો અમદાવાદ અને મુંબઈના જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે. કહેવાઈ રહ્યું છે કે, પહેલીવાર કોઈ મૃતકના આઠ અંગો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

શ્રી રામક્રિષ્ન એક્સપોર્ટમાં કામ કરતા પિયૂષનું બાઈક ૨૪ ઓક્ટોબરના રોજ સાયન ચેકપોસ્ટ પાસે સ્લીપ થયું હતું. જેના કારણે તેના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ તેને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, બાદમાં તેને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો જ્યાં બુધવારે ડૉક્ટરોએ તેને બ્રેનડેડ જાહેર કર્યો હતો.

૨૮ વર્ષનો પિયૂષ પત્ની નયના, ૯ વર્ષની દીકરી ધનશ્રી અને ૬ વર્ષના દીકરા પાર્થને રડતા મૂકીને ગયો છે. પિયૂષ અને તેનો પરિવાર કામરેજમાં આવેલી નંદિની સોસાયટીમાં રહેતો હતો.

પિયૂષના પિતા નારાયણ માંગુકિયાએ કહ્યું, અમે છાપામાં મૃતકોના અંગદાન વિશે વાંચ્યું હતું પરંતુ તેની પ્રક્રિયાથી અજાણ હતા. અંતિમ સંસ્કાર પછી દીકરાનું શરીર રાખ બની જાત. ત્યારે યોગ્ય એ જ હતું કે અમારા દીકરાના શરીરના મહત્વના અંગો કેટલાક લોકોને નવજીવન આપી શકે. હવે અમને લાગે છે કે અમારો દીકરો આ આઠ લોકોના શરીરમાં જીવતો છે. પરિવારની સંમતિ પછી સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશનના અમદાવાદના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રક્રિયા શરૂ થઈ હતી. મૃતકની બે આંખો સુરત આઈ બેંકમાં દાન કરાઈ હતી. સુરતના ડોનેટ લાઈફના ફાઉન્ડર અને પ્રમુખ નિલેશ માંડલેવાલાએ કહ્યું, આઠ અંગોનું દાન કરાયું હોય તેવો આ પહેલો કેસ છે.

શહેરની આયુષ હોસ્પિટલથી ૧૭ કિલોમીટરના દૂર આવેલા સુરત એરપોર્ટ સુધી કેટલાક અંગો પહોંચાડવા માટે ત્રણવાર ગ્રીન કોરિડોર બનાવાયો હતો. અમદાવાદની આઈકેડીઆરસી સુધી લિવર અને કિડની બાય રોડ પહોંચાડવામાં આવી હતી. જેમાં ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. ૪૭ વર્ષીય પુરુષના શરીરમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ૩૧ વર્ષીય યુવક અને ૩૫ વર્ષીય મહિલાના શરીરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. પેનક્રિઆસ ૩૪ વર્ષીય મહિલાના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

૧૧૦ મિનિટમાં ફેફસા ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા મુંબઈ પહોંચાડવામાં આવ્યા હતા. એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ ૪૪ વર્ષીય પુરુષના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ૧૩૦ મિનિટમાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં હૃદય પહોંચાડવામાં આવ્યું હતું. જે આણંદના બોરસદના ૩૯ વર્ષીય દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ થયું હતું.

(9:07 pm IST)
  • દેશની તમામ સૈનિક સ્કૂલોમાં ઓબીસી માટે 27 ટકા અનામત : કેન્દ્ર સરકારની લીલી ઝંડી : નવા સત્રથી અમલ access_time 10:58 am IST

  • અમુક લોકો આતંકવાદના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યા છે : આ બાબત સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે : ' રાષ્ટ્રીય એકતા દિવસ ' નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું પ્રવચન : ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલાને સમર્થન આપનાર લોકોને આડે હાથ લીધા : દેશના સૌપ્રથમ હોમ મિનિસ્ટર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે સ્મૃતિ વંદના કરી : દેશની સુરક્ષા માટે સરહદ ઉપર લેવાઈ રહેલા પગલાંઓ વિષે માહિતી આપી access_time 10:38 am IST

  • રાજ્યના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ આજે વયમર્યાદાના કારણે ગૃહ વિભાગમાંથી નિવૃત્ત થતા સરકારે તેમને રાજ્યના વિજીલન્સ કમિશનર તરીકે નિમણુંક આપી છેઃ અત્યાર સુધી આ જગ્યાનો વધારાનો હવાલો તેમની પાસે હતોઃ સંગીતા સિંઘને લાગુ પડતો વિગતવાર હૂકમ હવે પછી થશે access_time 5:11 pm IST