Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

પાક નુકસાનના વળતરના નામે ભારે મશ્કરી : વીમા કંપનીઓના હૅલ્પલાઈન નંબર બંધ: ખેડૂતોનો આક્ષેપ

કૃષિ સચિવે 72 કલાકમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું પણ ફોન કોઈ ઉપાડતું નથી

અમદાવાદ : ખેડૂતો પાક વીમા માટે વરસાદથી થયેલા નુકસાનની અરજી કરી શકે તે માટે ખેડૂત હેલ્પલાઇન નંબરની સુવિધા ઉપલબ્ધ કરાઇ હતી. પરંતુ હાલ આ ટોલ ફ્રી નંબર બંધ આવી રહ્યો છે. કૃષિ સચિવે 72 કલાકમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે.1800 200 5142 યુનિવર્સલ સોમ્પો કંપનીનો ટોલ ફ્રી નંબર છે ખેડૂતો ફરિયાદ માટે ફોન કરે છે પણ ફોન લાગતા નથી તેવા આક્ષેપ છે

રાજ્યભરમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોએ વીમા કંપની તરફ મીટ માંડી છે. ખેડૂતો વીમા કંપનીને સંપર્ક કરતા વીમા કંપનીની વાસ્તવિકતા સામે આવે છે. આ વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર બંધ આવી રહ્યો છે. આથી ખેડૂતો હેરાન થઇ રહ્યાં છે. ખેડૂતો ફરિયાદ માટે ફોન કરે છે પણ ફોન લાગતા નથી. કૃષિ સચિવે આપેલા ટોલ ફ્રી નંબરોમાં ધાંધીયા સામે આવ્યાં છે. ખેડૂતો પોતાની ફરિયાદ ક્યાં લખાવે તે મોટો પ્રશ્ન છે.

યુનિવર્સલ સોમ્પો કંપનીનો ટોલ ફ્રી નંબર 1800 200 5142 બંધ આવે છે. તેમજ રિલાયન્સ વીમા કંપનીનો નંબર માત્ર 9:30થી 6:30 સુધી જ કાર્યરત રહે છે. આથી આ દિવસે આ સમય દરમ્યાન રિલાયન્સ વીમા કંપનીનો ફોન કોઈ ઉપાડતું નથી. આ ફોનને ઓટો મોડ પર મુકીને વીમા કંપનીઓ ખેડૂતોને હેરાન કરી રહી છે. જ્યારે કૃષિ સચિવે ખેડૂતોને 72 કલાકમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે.

(10:35 pm IST)