Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ઉપરવાસમાં વરસાદ વરસતા નર્મદા નદીમાં પાણીની આવકઃ જળસપાટી ૧૩૮.૬૦ મીટરે પહોંચી

નર્મદા : રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક થતાં ફરીથી જળસપાટીમાં વધારો થયો છે. આજે નર્મદા ડેમની જળ સપાટી 138.60 મીટર નોંધાઇ છે. પાણીની આવક 9799 ક્યૂસેક છે જ્યારે પાણીની જાવક 11,692 ક્યૂસેક છે. ઉપરવાસમાં વરસાદ વરસતા નર્મદા નદીમાં પાણીની આવક થઇ છે. જેના કારણે હાલ રિવરબેડ પાવર હાઉસનો 1 ટર્બાઇન ચાલુ છે જ્યારે કેનાલ હેડ પાવર હાઉસનું 1 ટર્બાઇન ચાલુ છે.

નોંધનીય છે કે, નર્મદ ડેમ ઓવરફલો થતાં સૌરાષ્ટ્રનું જળસંકટ હળવું થયું છે. સૌરાષ્ટ્રના અનેક ડેમોને પાણીથી ભરી દેવામાં આવ્યાં છે. જેમાં રાજકોટ જિલ્લાને પૂરું પાડતા ડેમો પણ ભરવામાં આવ્યાં છે. રાજકોટ, રાજકોટ ગ્રામ્ય, ધોરાજી, જેતપુર, ઉપલેટા અને ગોંડલ પંથકનું જળસંકટ હળવું થઈ જશે. સૌરાષ્ટ્રના વિવિધ ડેમોમાં ચાર લીંકથી નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે. લીંક-1ની મદદથી જામનગરના રણજીત સાગર ડેમમાં પાણી પહોંચાડાશે, જ્યારે લીંક-૩ની મદદથી આજી-1, ન્યારી-2 અને ભાદર-1 ડેમમાં પાણી પહોંચાડાયું છે.

આ ઉપરાંત નર્મદા ડેમ ભરાવવાને કારણે રાજ્યનાં અનેક તળાવો અને નદીઓમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે આ વર્ષે પાણીની તકલીફ નહીં થાય તેવું માનવામાં આવી રહ્યું છે.

(5:28 pm IST)