Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

રાજ્યમાં કમોસમી વરસાદ વચ્ચે ધરતીકંપ : 3.8ની તીવ્રતા સુધીના 5 આંચકા અનુભવાયા

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક સ્થળે ભૂકંપના આંચકા

અમદાવાદ : રાજ્યમાં કમોસમી વરસાદ વચ્ચે ભૂકંપના આંચકા અનુભવાયા છે દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક સ્થળોએ ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. રાજ્યમાં આજે ભાઈબીજના બીજા દિવસે જ્યારે લોકો તહેવારના માહોલમાં વ્યસ્ત હતા ત્યારે વહેલી સવારથી 1.7થી લઈને 3.8 રિક્ટર સ્કેલના આંચકા  અનુભવાયા છે.
                  રાજ્યના જામનગર, ભચાઉ, મહુવા અને તાપીમાં અનુભવાયા છે. જામનગર માં 2.6 અને 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભચાઉ માં 2.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે, જ્યારે મહુવામાં 3.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો જ્યારે તાપીમાં કેટલાક ઠેકાણે 1.8ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
રાજ્યમાં વાગડ ફોલ્ટ લાઇન સક્રિય છે ત્યારે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પણ કચ્છ હોવાની શક્યતા છે જોકે, હજુ સુધી આ આંચકાનું કેન્દ્ર બિંદુ જાણી શકાયું નથી. રાજ્યમાં એક બાજુ તહેવારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે અને બીજી બાજુ ભૂકંપ આવ્યો છે ત્યારે પ્રજાજનોના તહેવારો બગડ્યા છે. લોકોમાં ભૂંકપના આંચકાથી ભયનો માહોલ સર્જાયો હતો. શહેરોમાં લોકો પોતાના ઘરોમાંથી નીચે પણ ઉતરી આવ્યા હતા.

જામનગર તાલુકાના ગામોમાં ફરીથી ભૂકંપના આંચકા આવ્યા હતા. વહેલી સવારે 8.10 કલાકે ભૂકંપના આંચકા આવ્યા બાદ તાલુકાના બાંગા, ખાનકોટડા, બેરાજા, સરાપાદર સહિતના ગામોમાં સ્થાનિકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.

(9:52 pm IST)