Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

અમદાવાદ બાપુનગરમાં દિવાળીના વાપરવા પૈસા નહિ આપતા પુત્ર વિફર્યો : માતા-પિતા પર બ્લેડના ઘા માર્યા

સિવિલની કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતા માતાએ પગાર નહીં થયો હોવાથી પૈસા આપવા ઇન્કાર કર્યો : માટે નોંધાવી પોલીસ ફરિયાદ

અમદાવાદ: અમદાવાદના બાપુનગરમાં  એક પુત્રએ તેની માતા પાસે નવા વર્ષના પૈસા માંગ્યા હતા. પગાર ન થયો હોવાથી માતાએ પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો. જે બાદમાં પુત્રએ તેની માતાને બ્લેડના ઘા મારી દીધા હતા. આ મામલે માતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બાપુનગરમાં આવેલી એકલવ્ય ભીલ સોસાયટીમાં રહેતા સવિતાબેન ભીલ સિવિલની કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવે છે. ગઇકાલે તેઓ તહેવાર હોવાથી તેમના ઘરે હાજર હતા. ત્યારે તેમનો પુત્ર દશરથ ભીલ તેમના ઘરે આવ્યો હતો.

                દશરથે તેની માતા પાસે દિવાળી હોવાથી 500 રૂપિયા માંગ્યા હતા. જોકે, સવિતાબેને પગાર ન થયો હોવાથી પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો. આથી પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને માતાને માર માર્યો હતો. પુત્ર દશરથને વધુ ગુસ્સો આવતા તે દોડીને બ્લેડ લઇ આવ્યો હતો અને માતાના કાનના તથા અન્ય ભાગે બ્લેડના ઘા માર્યા હતા.
                 આ દરમિયાન દશરથના પિતા વચ્ચે પડતા પુત્રએ તેને પણ બ્લેડના ઘા મારી દીધા હતા. બનાવ બાદ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે બાપુનગર પોલીસે સવિતાબેનના પુત્ર દશરથ સામે આઇપીસી 323, 324, 294(ખ) મુજબ ફરિયાદ નોંધી ફરાર પુત્રને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

(9:38 pm IST)