Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

ધારાસભ્ય કાંતિ પરમાર પર આઠ શખ્સ દ્વારા હુમલો થયો

જમીન વિવાદ મામલે આઠ શખ્સો દ્વારા હુમલો : ડાકોરની ૧૨ વીઘા જમીન વિવાદ મામલે નડિયાદ સેશન્સ કોર્ટમાં હાજરી આપ્યા બાદ જઈ રહ્યા હતા ત્યારે હુમલો

અમદાવાદ, તા.૩૦ : નડિયાદ સેશન્સ કોર્ટ નજીક ઠાસરાના ધારાસભ્ય(કોંગ્રેસ) કાંતિ પરમાર પર આઠ શખ્સોએ જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ડાકોરની ૧૨ વીઘા જમીનના વિવાદ મામલે નડિયાદ સેશન્સ કોર્ટમાં હાજરી આપ્યા બાદ પરત જઈ રહ્યા હતા ત્યારે આ શખ્સો દ્વારા ધારાસભ્ય કાંતિ પરમારની કાર આંતરી જાહેરમાં તેમની પર, તેમના વકીલ અને ડ્રાઇવર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય કાંતિ પરમાર, વકીલ અને ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચતાં તેઓને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. બીજીબાજુ, આ હુમલાને લઇ રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પણ પડયા હતા તો, કોર્ટ સંકુલમાં પણ હુમલાને લઇ જોરદાર ચર્ચા ચાલી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, નડિયાદ સેશન્સ કોર્ટમાં ડાકોરની ૧૨ વીઘા જમીનના વિવાદ અંગે મુદ્દત હતી.

     ધારાસભ્ય કાંતિ પરમાર કોર્ટમાં હાજરી આપીને જતા હતા ત્યારે રસ્તામાં ૮ જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી અચાનક જ હુમલો કર્યો હતો. હુમલાખારોએ કાંતિ પરમારની કારને આંતરી જાહેરમાં જ જોરદાર રીતે ગાડીમાં તોડફોડ મચાવી હતી. હુમલાખોરોએ કારના દરવાજા ખોલી અંદર બેઠેલા ધારાસભ્ય, વકીલ અને ડ્રાઇવરને પણ હુમલાનો ભોગ બનાવ્યા હતા. જેમાં ધારાસભ્યને સામાન્ય ઈજા થઈ હતી પરંતુ કારના ડ્રાઈવર અને વકીલને વધુ ઈજા પહોંચી હતી. હુમલા બાદ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ઘટનાના સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે, આ પ્રકારે ખુલ્લેઆમ ધારાસભ્ય, વકીલ અને ડ્રાઇવર પર હુમલાને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને રાજકીય વર્તુળમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસના કાંતિ પરમારનો ઠાસરા બેઠક પરથી ભાજપના રામસિંહ પરમાર સામે વિજય થયો હતો.

(8:24 pm IST)