Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

દહેજની માંગણી કરીને સુરતના ઇન્‍ડીયન નેવીના કલાર્કના હાથે પત્નીની હત્યાઃ સાસરીયા દ્વારા માતા-પુત્ર સામે ફરિયાદ

સુરત: ઈન્ડિયન નેવીના ક્લાર્કે દહેજની માગ કરીને પત્નીની હત્યા કરી છે. પોલીસે 27 વર્ષીય ક્લાર્ક પ્રદીપ ઉપાધ્યાય અને માતા શાંતિ સામે ગુનો દાખલ કર્યો છે. ડિંડોલી વિસ્તારના સાકાર પેલેસમાં રહેતા પ્રદીપે 23 વર્ષીય પત્ની શ્રૃતિની હત્યા કરી. બે વર્ષ પહેલા જ પ્રદીપ અને શ્રૃતિના લગ્ન થયા હતા.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે, સોમવારે સવારે પ્રદીપ શ્રૃતિને લઈને SMIMER (સુરત ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એંડ રિસર્ચ) હોસ્પિટલ લઈને આવ્યો. પ્રદીપે હોસ્પિટલમાં જણાવ્યું કે તેની પત્ની ઘરમાંથી બેભાન હાલતમાં મળી આવી. જો કે, હોસ્પિટલ લઈને આવ્યા ત્યારે શ્રૃતિનું મોત થયું હતું.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે શ્રૃતિને પેટમાં હેમરેજ થયું હતું. તેની ડાબી કિડની પાસે બ્લડ ક્લોટ મળી આવ્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, હોસ્પિટલ લાવ્યાના 24 કલાક પહેલાં જ તેનું મોત થયું હતું. શ્રૃતિના શરીર પરથી ઈજાના 15 નિશાન પણ મળી આવ્યા. પોલીસને પહેલાથી જ હત્યાની શંકા હતી પરંતુ ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ.

મૃતક શ્રૃતિના પિતા અશોક ઓઝાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પ્રદીપ અને તેની માતા સામે ફરિયાદ નોંધાવી છે. શ્રૃતિના માતા-પિતા બિહારના ભોજપુરમાં રહે છે. બુધવારે શ્રૃતિની અંતિમક્રિયા થયા બાદ તેઓ સુરત પહોંચ્યા હતા. શ્રૃતિના પરિવારે આરોપ લગાવ્યો છે કે, આરોપીઓએ ગાડી અને અન્ય કિંમતી વસ્તુઓ દહેજમાં માગી હતી. શ્રૃતિને દહેજ માટે સાસરિયા તરફથી ત્રાસ આપવામાં આવતો હતો. ડિંડોલી પોલીસે જણાવ્યું કે, હજુ આરોપીઓની ધરપકડ કરાઈ નથી.

(5:46 pm IST)