Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

પાટણ-ડીસા નજીક બે કાર સામ-સામે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં સાળા બનેવી સહીત ત્રણ મોતને ભેટ્યા

પાટણ:પાટણ-ડીસા હાઈવે રોડ પર ગુરુવારના બપોરના સુમારે વાગડોદ નજીક બે કાર સામસામે ટકરાતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં  ત્રણ યુવકોમાં સાળા, બનેવી અને મિત્ર ગંભીર રીતે ઘવાતા બેભાન  થતા તેમને ૧૦૮ દ્વારા સારવારઅર્થે ધારપુર ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ત્રણેય યુવકના મોત થતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

 પાટણ, ડીસા હાઈવે પર વાગડોદ નજીક મડાણાથી અગાર રોડ પર સૂર્યા હોટલ નજીકથી કાર ચાલક બળવંતજી નાગરજી ઠાકોર, રહે. અગારવાળા પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી પુરઝડપે આવતી કારના ચાલકે ધડાકાભેર ટકરાવતા અકસ્માત સર્જાયો હતો. 

જેમાં અગારના કારચાલક બળવંતજીની કારમાં તેમનો મિત્ર અને તેમના બનેવી સાથે હતા. જેઓ અકસ્માત સર્જાતા બેભાન થઈ ગયા હતા. જેમને ૧૦૮  દ્વારા સારવારઅર્થે ધારપુર ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ત્રણેયનું મોત નિપજ્યું હતું. 

(5:28 pm IST)