Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

ફરવાલાયક સ્થળ જેવું ગાંધીનગરનું રેલવે સ્ટેશન બનાવાશેઃ બિલ્ડીંગ ફરતા ૩૦૦ વૃક્ષો વાવવામાં આવશેઃ દિવ્યાંગ વ્‍યક્તિઓ માટે વિવિધ સુવિધાઃ જાન્યુઆરી-૨૦૧૯ સુધીમાં તૈયાર થશે

અમદાવાદઃ ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે નવા બની રહેલા રેલવે સ્ટેશનના ફીચર્સ અંગે જેમ જેમ માહિતી સામે આવી રહી છે તેમ તેમ લાગી રહ્યું છે કે સ્ટેશન પૂર્ણરુપે બની ગયા પછી તો ફક્ત રેલવે સ્ટેશન નહીં પણ એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની જશે. લોકો ખાસ અહીં ફરવા માટે ગાંધીનગર રેલવે સ્ટેશન આવશે. ગત જાન્યુઆરીમાં વડાપ્રધાન મોદી દ્વારા રેલવે સ્ટેશનના રિડેવલોપમેન્ટનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર રેલવે સ્ટેશન રુ.80 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે જેમાં વિશ્વકક્ષાની ટોચની મોર્ડન એમેનિટિઝ અને ફેસેલિટીઝ હશે. ગાંધીનગર સ્ટેશન તૈયાર થઈ ગયા બાદ દેશનું એવું પહેલું સ્ટેશન બનશે જે કેન્દ્ર-નિયત વિશ્વ સ્ટેશન ધોરણો 2016ના નિયમો મુજબ તૈયાર થયું હશે. સાથે સ્ટેશન બન્યા બાદ US ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલના પ્લેટિનમ રેટિંગ માટે પણ અપ્લાય કરવામાં આવશે.

રેટિંગ દર્શાવે છે કે બિલ્ડિંગની મજબૂતાઈ ખૂબ ઉત્તમ ક્વોલિટીની છે. સાથે સાથે બિલ્ડિંમાં કુદરતી હવા ઉજાસ ખૂબ સારી રીતે આવે તે પ્રમાણે તૈયાર કરાયું છે તેથી વધુ માત્રામાં ઉર્જાનો ઉપયોગ કરવો પડે. સાથે પાણી અને ઈલેક્ટ્રિસિટીનો પણ ઉપયોગ પ્રમાણમાં ઓછો થાય અને કાર્બાન ડાયોક્સાઇડનું ઉત્સર્જન પણ ઓછું થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

અંગે અમારા સહયોગી અમદાવાદ મિરર સાથે વાત કરતા ગાંધીનગર રેલવે સ્ટેશનના પ્રોજેક્ટ આર્કિટેક્ટ અને ડિઝાઈન ડિરેક્ટર રવિ રામપરિયાએ કહ્યું કે, ‘એકવાર રેલવે સ્ટેશન સમગ્ર તૈયાર થઈ જશે તે પછી USGBC રેટિંગ માટે એપ્લાય કરવામાં આવશે. દેશમાં પહેલું એવું રેલવે સ્ટેશન હશે જે રેટિંગ માટે એપ્લાય કરશે. તે બાદ USGBCના અધિકારીઓ સ્થળ તપાસ કરીને રેટિંગ આપશે. અમારું લક્ષ્ય છે કે ફક્ત મુસાફરો નહીં પણ પ્રવાસીઓ અને સ્થાનિકોમાં પણ રેલવે સ્ટેશન ફરવાની મુલાકાત લેવાની જગ્યા બની જાય.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘લોકો અહીં શોપિંગ કરી શકે તે માટે સુપરમાર્કેટ સ્પેસ પણ તૈયાર કરવામાં આવશે. સ્ટેશન અને તેના પર આવેલ હોટેલમાં પ્રવેશ માટે અલગ અલગ એન્ટ્રેસ હશે. સમગ્ર સંકુલમાં 300 ઝાડ બિલ્ડિંગની ફરતે લાગાવવામાં આવશે.’ સ્ટેશન કેમ્પસના એન્ટ્રેસ પર દિવ્યાંગ વ્યક્તિને એબ્રેઇલ મેપ આપવામાં આવશે જેથી તેઓ સહેલાઈથી હરીફરી શકે. બિલ્ડિંગમાં લગાવવામાં આવેલ LED લાઇટિંગ માટે રુફટોપ સોલાર પેનલ્સ પાવર જનરેટ કરશે. તેમજ સ્ટેશન બિલ્ડિંગને દૈનિક ધોરણે લાઇટિંગથી સુશોભિત કરવામાં આવશે. જેમાં પ્રસોંગોપાત તહેવાર મુજબ સ્પેશિયલ થીમ પણ રહેશે.

સ્ટેશનમાં 3 પ્લેટફોર્મ હશે અને બીજા 3 પ્લેટફોર્મ ભવિષ્યમાં બનાવી શકાય તે માટે સુવિધા હશે. સ્ટેશનમાં પૂજા-નમાઝ માટે અલાયદી જગ્યા તૈયાર હશે. તેમજ બાળકોના સ્તનપાન, ફસ્ટ એઇડ રુમ જેવી પણ વ્યવસ્થા હશે. ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિ.ના સિનિયર મેનેજર રમણજીત ગુપ્તાએ કહ્યું કે, ‘અમને આશા છે કે જાન્યુઆરી 2019 સુધીમાં સ્ટેશન બનીને તૈયાર થઈ જશે.’

(5:49 pm IST)