Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

સ્ટર્લીંગ ગ્રીનવુડ લીમીટેડના સંચાલકોને CPACએ લીગલ નોટીસ ફટકારી : આર્થિક નુકસાનીનું વળતર ચુકવવા તાકીદ

પ્લોટ ડેવલપમેન્ટના નામે ગ્રાહકોને છેતર્યા હોવાનો આક્ષેપ : ગ્રાહકો પાસેથી નાણાં લઇ લીધાં બાદ કોઇ જ કાર્યવાહી નહીં

ગાંધીનગર: નળસરોવર- સાણંદ રોડ પર પ્લોટના ડેવલપમેન્ટના નામે ગ્રાહકો પાસેથી નાણાં લઇ લીધાં બાદ કોઇ જ કાર્યવાહી નહીં કરવા બદલ કન્ઝયુમર પ્રોટેકશન એન્ડ એકશન કમિટી ( CPAC )એ સ્ટર્લીંગ ગ્રીનવુડ લીમીટેડના સંચાલકોને નોટીસ ફટકારીને છેતરાયેલાં ગ્રાહકોને આર્થિક નુકસાનીનું પુરેપુરું વળતર ચુકવવાની તાકીદ કરી છે.

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ ( અખિલ ભારતીય )ના પ્રમુખ મુકેશ પરીખે આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, સ્ટર્લીંગ ગ્રીનવુડ લીમીટેડના સંચાલકો ઉમેશભાઇ લવીંગીયા અને ભરતભાઇ લેખીએ 2010-11ના વર્ષમાં સાણંદ- નળ સરોવર રોડ પર રેથલ ગામ પાસે 500 વારના પ્લોટના 9.40 લાખ રૂપિયા ગ્રાહકો પાસેથી લીધા હતા. ત્યારબાદ પ્લોટનો કોઇ વિકાસ કરવામાં આવ્યો નથી કે કોઇને દસ્તાવેજ પણ કરી આપ્યા નથી. આજે તે પ્લોટ પર જાળી, ઝાંખરા ઉગી ગયા છે.

તેમણે વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, સ્ટર્લીંગ ગ્રીનવુડ કલબ અને લેઇક રિસોર્ટમાં એક્સકલુઝીવ મેમ્બરશીપ માટે 50 ટકા ડિસ્કાઉન્ટ, પ્રાઇવેટ કુત્રિમ સરોવર, નેચર પાર્ક, ડ્રીમ હાઉસ, વગેરે સુખ, સગવડ અને સુવિધા આપવાની બાહેંધરી ગ્રાહકોને આપીને ગ્રાહકો પાસેથી અવેજ વસૂલ કરવામાં આવ્યો છે. આ વાતને આજે 10 વર્ષ જેટલો સમય વીતી જવા છતાં કોઇ જ પ્રકારનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું નથી. આ અંગે ગ્રાહકોની અમારી સંસ્થા ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ સમક્ષ ફરિયાદો આવી છે. આ ફરિયાદના આધારે અમે 16 ગ્રાહકો વતી સંચાલકોને નોટીસ ફટકારી છે. જેમાં સંચાલકો દ્રારા ગ્રાહકો પાસેથી પ્લોટની જમા રકમ ઉપર વાર્ષિક 24 ટકાના વ્યાજ સાથે રકમ પરત કરે અથવા વચનો પ્રમાણે પ્રોપર ડેવલપમેન્ટ કરે તેવી અમારી માંગણી છે.

આ ગુનાની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમના આર્થિક ગુના નિવારણ શાખા મારફતે કરાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી, ગુહ મંત્રી પ્રદિપસીંહ જાડેજા સહિત રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાને માંગણી કરતો પત્ર લખ્યો છે. આ અંગે અમે રેરામાં પણ ફરિયાદ કરવાના છીએ.

(11:42 pm IST)