Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ લાખો યુવાનોનું ઉત્તમ મનુષ્ય તરીકે ઘડતર કર્યું અને ધર્મનો સંદેશ ઘેર ઘેર પહોંચાડ્યો :નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ

અમદાવાદ:નાયબ મુખ્ય મંત્રી નીતીનભાઈ પટેલે યોગી ડીવાઈન સોસાયટી હરિધામ-સોખડાના પરમાધ્યક્ષ, બ્રહ્મલીન પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહના પવિત્ર દર્શન કરીને ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સ્વામીશ્રીના આશિષ અને અલૌકિક સ્મૃતિઓ ચિરસ્થાયી બની રહે એવી પરમાત્માના શ્રીચરણોમાં તેમણે પ્રાર્થના કરી હતી.

   સોખડા ધામનું નામ લઈએ અને પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી નો પ્રેમાળ ચહેરો અને આત્મીય વત્સલતા યાદ આવે એવી લાગણી વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું કે, તેમણે લાખો હરિભક્તોને પ્રેરણા આપી,લાખો યુવાનોના જીવનનું ઘડતર કર્યું, તેમને ઉચ્ચ શિક્ષણ, વ્યસન મુક્ત જીવન,સમાજ અને રાષ્ટ્રની,ધર્મની સેવા માટે પ્રેરિત કર્યા.

   તેમણે સંતોને માર્ગદર્શન આપીને એવી રીતે તૈયાર કર્યા કે આ તેજસ્વી સંતો સમાજની, ધર્મની,ગરીબોની અને રાષ્ટ્રની સેવા માટે અગ્રેસર રહ્યાં.

  તેઓ 88 વર્ષની જૈફ વયે ભગવાન સ્વામી નારાયણની સેવામાં પધાર્યા છે.ભગવાન એમને સદા પોતાની સેવામાં રાખે.

  સ્વામીજીએ ધર્મને ઘેર ઘેર પહોંચાડ્યો છે.લાખો લોકોનું જીવન સુધાર્યું છે.તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી સહુનું જીવન વધુ ઉન્નત બનશે.

  તેમણે સ્થાપેલી સંસ્થાઓ સેવાનું,સંસ્કાર સિંચનનું,ધર્મ સેવાનું ફલક વધુ વિસ્તારશે અને તેમનો પ્રેરક જીવન સંદેશ સાર્થક કરશે એવી લાગણી નાયબ મુખ્યમંત્રીએ વ્યકત કરી હતી.

   મુખ્ય દંડક  પંકજ દેસાઈ,જિલ્લા કલેકટર આર.બી.બારડ અને મહાનુભાવો તેમની સાથે જોડાયા હતા.

(9:24 pm IST)